Western Times News

Gujarati News

લગ્નનું માગુ ફગાવનારી માસિયાઈ બહેનની યુવકે કરી હત્યા

નવી દિલ્હી, દિલ્હી દેશની રાજધાની તો છે જ, સાથે ક્રાઈમની પણ રાજધાની છે એમ કહી શકાય. અહીં આડે દિવસે હત્યા, લૂંટ, ચોરી તેમજ મહિલા પરના અત્યારચારના કેસ બનતા રહે છે.

હાલમાં માલવિયા નગર વિસ્તારમાં પ્રેમમાં પાગલ બનેલા માસિયાઈ ભાઈનું લગ્નનું માગુ ફગાવનારી ૨૩ વર્ષીય યુવતીને માથાના ભાગમાં લોખંડના સળીયના ફટકા મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના દક્ષિણ દિલ્હીમાં શુક્રવારે બની હતી. પોલીસે તરત જ આરોપીની ધરપકડ કરી હતી. પીડિતાની ઓળખ નરગિસ તરીકે થઈ હતી, જ્યારે તે ૨૮ વર્ષીય ઈરફાન સાથે દિલ્હી યુનિવર્સિટીની શ્રી અરબિંદો કોલેજ પાસેના પાર્કમાં હતી ત્યારે તેના પર હુમલો કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, મૃતક અને આરોપી સગા માસિયાઈ ભાઈ-બહેન હતા, તેમની મમ્મીઓ બહેનો છે. આરોપી મૃતક સાથે વાત કરવાની તક ઝડપી લેવા માટે છેલ્લા ત્રણ-ચાર દિવસથી કથિત રીતે તેનો પીછો કરી રહ્યો હતો, તેમ પોલીસે ઉમેર્યું હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના બાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ટીકા કરી હતી અને કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ ઉપરાજ્યપાલને કડક પહલા લેવાની વિનંતી કરી હતી. ‘દિલ્હીમાં વધુ એક દીકરીની ર્નિદયતાથી હત્યા કરવામાં આવી, આ દુઃખદ વાત છે. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા ગંભીર મુદ્દો બની ગયું છે.

ઉપરાજ્યપાલ અને ગૃહમંત્રીને પોલીસને વધુ થોડા સક્રિય બનાવવાની વિનંતી છે. દિલ્હીની દીકરીઓ અને દિલ્હીના લોકોની સુરક્ષા એ વધારે મહત્વની છે’, તેમ તેમણે ટ્‌વીટ કર્યું હતું. પોલીસે કહ્યું હતું કે, તેમને બપોરે ૧૨.૦૮ કલાકે માલવિયા નગરના શિવાલિક એ બ્લોકના વિજય મંડળ પાર્કમાં એક શખ્સ યુવતી પર હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી હતી.

યુવતીની લાશ માથાના ભાગમાં ઈજા સાથે બાકડા નીચેથી મળી આવી હતી, જ્યારે જેનાથી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો તે લોખંડનો સળીયો ત્યાં પાસે પડેલો હતો, તેમ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ) ચંદન ચૌધરીએ કહ્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે, નરગિસ અને ઈરફાન અગાઉ રિલેશનશિપમાં હતા અને તેમના લગ્નની વાત પણ ચાલી રહી હતી, પરંતુ નરગિસના પરિવારે આખરે આ માટે ના પાડી દીધી હતી. જે બાદ નરગિસે ઈરફાન સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, જેનાથી તે વધારે ગુસ્સામાં હતો.

નરગિસે આ વર્ષે પોતાનું ગ્રેજ્યુએશન ખતમ કર્યું હતું અને માલવિયા નગરમાં કોચિંગ ક્લાસમાં જતી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હત્યા પૂર્વઆયોજિત હતી અને આરોપીએ તે હથિયાર પોતાના ઘરેથી લાવ્યો હોવાનો દાવો કર્યો હતો. ‘આરોપીએ દાવો કર્યો હતો કે, ગુના માટે તેણે જે લોખંડનો સળીયો વાપર્યો હતો તે પોતાના ઘરેથી લાવ્યો હતો. આ સાથે તેવો પણ દાવો કર્યો હતો કે, સોમવારે યુવતીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક કારણોસર તે મળી શકી નહોતી. અમે તેના દાવાની તપાસ કરી રહ્યા છીએ’, તેમ પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.