ઉત્તર ગુજરાતના યુવક-યુવતી ઈજિપ્તમાં પકડાયાં

અમદાવાદ, અમેરિકા પહોંચવા માટે ગુજરાતીઓ કેવી-કેવી ટ્રીક અપનાવે છે તેની એક ચોંકાવનારી ઘટનાનો તાજેતરમાં જ ભાંડો ફુટ્યો છે. અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક્સક્લુઝિવ રિપોર્ટ અનુસાર, ઉત્તર ગુજરાતની એક ૨૩ વર્ષની યુવતી અને ૨૨ વર્ષના યુવકને એજન્ટોએ વાયા ક્યૂબા થઈને અમેરિકા જવા રવાના કર્યા હતા.
જાેકે, આ લોકો ઈજિપ્તમાં લેન્ડ થયા ત્યારે જ તેમનો ખેલ ખતમ થઈ ગયો હતો. આ બંનેના પાસપોર્ટ પર લાગેલા ક્યૂબાના વિઝા ફેક હોવાનું બહાર આવતા તેમને ત્યાંથી જ ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા. આ યુવક-યુવતીને એજન્ટો ઈજિપ્તથી એમ્સટર્ડમ મોકલવના હતા, અને ત્યાંથી તેમને ક્યૂબાની ફ્લાઈટ પકડવાની હતી. જાેકે, ઈન્ડિયાથી ઈજિપ્ત પહોંચ્યા બાદ આ બંને એમ્સટર્ડમની ફ્લાઈટ પકડવાની તૈયારીમાં હતા ત્યારે તેમનો ભાંડો ફુટી ગયો હતો.
મહેસાણાનો ૨૨ વર્ષનો દેવર્ષ પટેલ અને માણસાની ૨૩ વર્ષની સીમા લખવારાને જ્યારે ડિપોર્ટ કરી દિલ્હી મોકલવામાં આવ્યા ત્યારે તેમની પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. ક્યૂબા પહોંચ્યા બાદ તેમને એજન્ટો અમેરિકામાં કઈ રીતે ઘૂસાડવાના હતા તેના પ્લાન અંગે પણ તેમણે ઈમિગ્રેશન ઓફિસર્સને જણાવ્યું હતું.
આમ તો એજન્ટોએ આ બંનેને અમેરિકા પહોંચાડવા માટે કોઈને પણ શંકા ના જાય તેવો એક પરફેક્ટ પ્લાન બનાવ્યો હતો, પરંતુ તેમના પાસપોર્ટ પર લાગેલા વિઝા સ્ટીકરની તારીખને કારણે તેમનો ખેલ ઊંધો પડી ગયો હતો.
આ મામલે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, દેવર્ષ અને સીમાએ ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ દિલ્હીથી ઈજિપ્ત જતી ફ્લાઈટ પકડી હતી. ૦૯ સપ્ટેમ્બરે વહેલી સવારે તેઓ કેરો લેન્ડ થયા હતા, અને ત્યાંથી તેમને એમ્સટર્ડમની ફ્લાઈટ પકડવાની હતી, પરંતુ તેમના વિઝાની તારીખ ૧૮ સપ્ટેમ્બર હતી અને તે જ વખતે કેરો એરપોર્ટ પર તૈનાત અધિકારીઓને તેમના પર શંકા ગઈ હતી.
દેવર્ષ અને સીમાના ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સની તપાસ કરવામાં આવતા એવું બહાર આવ્યું હતું કે તેમના પાસપોર્ટ પર લાગેલું ક્યૂબાના વિઝાનું સ્ટીકર નકલી હતું. આ બંને ૦૯ સપ્ટેમ્બરે કેરો પહોંચ્યા હતા, પરંતુ તેમના ક્યૂબાના વિઝા ઈશ્યૂ થયાની તારીખ ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૩ હતી.
વિઝાનું સ્ટીકર તેમના પાસપોર્ટના સાતમા પેજ પર લગાડવામાં આવ્યું હતું, જે નકલી હોવાનું બહાર આવતા તેમને ઈજિપ્તથી જ ડિપોર્ટ કરી દેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ૧૦ સપ્ટેમ્બરે ડિપોર્ટ કરાયા બાદ ઉત્તર ગુજરાતના આ બંને યુવક-યુવતી ૧૧ સપ્ટેમ્બરે દિલ્હી લેન્ડ થયાં હતાં. દિલ્હી પોલીસે ફ્લાઈટમાંથી ઉતરતા જ આ બંનેની ધરપકડ કરી લીધી હતી, અને તેમના પર બનાવટી દસ્તાવેજાેને ઉપયોગમાં લેવા ઉપરાંત ઠગાઈનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
સૂત્રોનું માનીએ તો, દેવર્ષ અને સીમાને એજન્ટોએ એવું કહ્યું હતું કે વાયા એમ્સટર્ડમ થઈ ક્યૂબા પહોંચતા જ તેમને ત્યાંની નાગરિકતા અપાવી દેવાશે. આ કામ થઈ ગયા બાદ તેમને અમેરિકા મોકલવાના હતા, એટલું જ નહીં એજન્ટોએ એવી પણ વાત કરી હતી કે ક્યૂબન નાગરિકતા ધરાવતા લોકોને અમેરિકામાં આસાનીથી શરણાગતિ મળી જાય છે.SS1MS