પોલીસે પકડેલા યુવકે કોન્સ્ટેબલના નાક પર બચકું ભરીને કાપી નાખ્યું

અમદાવાદ, નરોડામાં સંયુક્ત પરિવારમાં રહેતા શ્રમજીવી પરિવારના દીકરાએ માતા પાસે રૂપિયાની માગણી કરી પરંતુ રૂપિયા આપવાનો માતાએ ઇનકાર કરતા દીકરાએ ઘરમાં તોડફોડ કરીને માતાના ગળે કાચ મારી દીધો હતો.
બાદમાં માતાએ પોલીસને જાણ કરતા નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે દીકરાએ પોલીસથી બચવા આત્મહત્યા કરવાનું તરકટ રચીને પોતાના હાથ પર બ્લેડના ઘા માર્યા હતા.
પોલીસે મહામુસીબતે આરોપીને પોલીસ વાહનમાં બેસાડ્યો ત્યારે આરોપીએ હેડકોન્સ્ટેબલના નાકે બચકું ભરીને નાક કાપી લીધું હતું. આ મામલે નરોડા પોલીસે આરોપી અનિલ ઉર્ફે ગેપો ગોહિલની ધરપકડ કરી છે.
મૂળ રાજસ્થાનના વતની અને હાલ નરોડામાં એક મહિલા તેના પતિ અને ચાર બાળકો સાથે રહે છે. મહિલા અને તેનો પતિ છૂટક મજૂરી કામ કરે છે. મોટા દીકરાએ માતા પાસે ઉછીના રૂપિયા માગ્યા હતા પરંતુ માતાએ ઇનકાર કરતા બંને વચ્ચે તકરાર થઈ અને દીકરાએ માતાને કાચના ટુકડા વડે ગળામાં ઘા માયો હતો.
માતાએ પોલીસને જાણ કરતા નરોડા પોલીસ ઘટના સ્થળે આવતા પોલીસથી બચવા આરોપી અનિલ ઉર્ફે ગેપો ગોહિલે નાટક કરવાનું શરૂ કર્યું અને પોતાની જાતને બ્લેડના ઘા મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યાે હતો.
બાદમાં પોલીસે શાંતિથી સમજવાનો પ્રયાસ કર્યાે પરંતુ આરોપી નહીં માનતા પોલીસે સ્થાનિકોની મદદ લઈને અનિલને પોલીસ ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈને જતા હતા.
આ દરમિયાન અનિલે નરોડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય પટણીના નાકે બચકું ભરીને ખેંચી લેતા પોલીસકર્મીનું નાક કપાઈને જમીન પર પડી ગયું હતું.
આ મામલાની ગંભીરતાને જોતા અન્ય પોલીસકર્મીને બોલાવીને ઘાયલ પોલીસકર્મીને તાત્કલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આરોપી અનિલને નરોડા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.
બાદમાં આરોપી અનિલ વિરુદ્ધ માતા અને પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરવાની કલમ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.SS1MS