Western Times News

Gujarati News

યુવક તલાટી બનતાં પ્રેમીકાને તરછોડીઃ અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી

પ્રતિકાત્મક

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વખતે પ્રેમ થયો, બાયડના યુવકે દગો આપતાં ફરિયાદ નોંધાઈ

ગાંધીનગર, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના મુખ્ય મથક બનેલા ગાંધીનગરમાં હજારો યુવક-યુવતીઓ પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા હોય છે. કોચિંગ કલાસ અને લાઈબ્રેરી વચ્ચેની આ દોડધામ દરમિયાન પ્રેમ કે આકર્ષણની લાગણી થવાનું સ્વાભાવિક છે.

સુરેન્દ્રનગરની યુવતિ અને બાયડના યુવકે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન પ્રેમ થયો હતો. યુવક તલાટી બની ગયો અને યુવતી હજુ તૈયારી કરી રહી છે. લગ્નના વચનો આપીને એક વર્ષ સુધી શરીરની ભૂખ સંતોષનારા યુવકે અન્ય યુવતિ સાથે સગાઈ કરી લેતાં યુવતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

યુવતીએ સે-ર૧ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગાંધીનગરમાં તે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. રોજ સેકટર-૧૧ની લાઈબ્રેરીમાં વાચન માટે જતી હતી ત્યારે તેનો પરિચય બાયડના યુવક સાથે થયો હતો. ધીમે ધીમે વાતચીતનો દોર અને સમય જતાં બંને ગાઢ પ્રેમમાં પડ્યા હતા. બાદમાં યુવકે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી.

યુવક પર વિશ્વાસ રાખીને યુવતિ રાજસ્થાન, મુંબઈ સહિતના સ્થળોએ ફરવા પણ ગઈ હતી. આ યુવક અનેક વખત યુવતીને સે-૧૬માં રહેતા સગાના સરકારી મકાનમાં લઈ જતો હતો અને લગ્નના વચનો આપી શારીરિક ભૂખ સંતોષતો હતો. એવામાં યુવક તલાટીની પરીક્ષામાં પાસ થઈ જતાં તેના રંગઢંગ બદલાઈ ગયા હતા. યુવતિ સાથેના સંબંધો ઓછા કરી દેવાની સાથે તેણે યુવતિની અવગણના શરૂ કરી હતી.

એક વર્ષથી પ્રેમીની રાહ જોઈ રહેલી યુવતિને ખબર પડી હતી કે, તેના તલાટી પ્રેમીએ સગાઈ કરી લીધી છે. યુવતિએ લગ્નના વચનો આપીને તરછોડી દેનારા તલાટી હાર્દિક સોલંકી વિરૂદ્ધ ફરિયાદ આપતા સે-ર૧ પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.