યુવક કોંગ્રેસ આક્રમક બની પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી

૧૦ દિવસમાં નિરાકરણ નહિ આવે તો પાલિકાને તાળાબંધીની ચીમકી
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ તેમજ પાલિકા વિપક્ષના સભ્યો દ્વારા પશ્ચિમ વિસ્તારના રોડ રસ્તા સહિતના વિકાસના કામો અંગે પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.તો તે દરમ્યાન ભાજપ લઘુમતી મોરચા દ્વારા કાૅંગ્રેસના પાલિકા સભ્યો વિકાસકાર્યોમાં રોડા નાંખતા હોવાનો આક્ષેપ કરતા વિપક્ષના નેતાએ તે ફગાવી દઈ લઘુમતી મોરચા દ્વારા મુકવામાં આવેલ કામો માટે કોંગ્રેસની લડત ચલાવવાની તૈયારી હોવાનું કહ્યું હતું.
ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમા રસ્તા સહિતના વિવિધ વિકાસ કાર્યો ત્રણ ચાર વર્ષ થી મંજૂર થયા બાદ પણ થતાં નથી તેવા આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ તેમજ પાલિકા વિપક્ષના સભ્યો,કોંગી કાર્યકરોએ નગરપાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી હતી અને તે અંગે દિન દસમાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો પાલિકા કચેરીને તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારી હતી.
જાેકે કોંગીજનોની આ રજુઆત દરમ્યાન ભાજપ લઘુમતી મોરચાના ઈમરાન બોક્સરે પણ કાર્યકરો સાથે પાલિકા ખાતે પહોંચી તેઓ દ્વારા વોર્ડ નંબર ૧ અને ૨ નાં સાત થી આઠ કામ મૂકવામા આવ્યા છે. પણ પાલિકા વિપક્ષના સભ્યો જ તેમાં આડખીલી બની રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
જાેકે ભાજપ લઘુમતી મોરચાના આ આક્ષેપોને ફગાવી દેતા પાલિકા વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદે જાે ભાજપના જ લઘુમતી મોરચાના કામ ન થતાં હોય તો કોંગ્રેસ મુદ્દે તેમની લડાઈ લડવા તૈયાર હોવાનો વળતો પ્રહાર કર્યો હતો. વિપક્ષી સભ્યોને રજૂઆત બાદ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ આ જુના કામો ન થતાં કોન્ટ્રાકટરોને નોટિસ આપવા સાથે બ્લેક લીસ્ટ કરવાની કામગીરી કરી રિટેન્ડરીંગ કરી વહેલી તકે આ કામ પૂર્ણ કરાશે તેવી ખાતરી આપતાં હાલ મામલો સમેટાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં તહેવારો આવતા હોય ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરનાં તમામ વિસ્તારોના અટકેલા વિકાસ કાર્યો જલદી થી પૂર્ણ કરવામાં નહીં આવે તો વિપક્ષની સાથે લોકો પણ આક્રમક બની આંદોલનછેડે તો નવાઈ નહી.