હેલ્મેટ ન પહેરવા બદલ યુવકને ૧૦ લાખ રૂપિયાનો મેમો આવ્યો

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, હેલ્મેટ વગર વાહન ચલાવવું એ કાયદાનું ઉલ્લંઘન છે અને તેના માટે દંડની જોગવાઈ છે. પરંતુ, અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા એક યુવકને હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ ૧૦ લાખ રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો છે, જેણે સૌને ચોંકાવી દીધા છે.
બનાવ એવો છે કે વસ્ત્રાલના એક યુવકને સરખેજ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટ્રાફિક પોલીસે મેમોનો મેસેજ આપ્યો હતો. જ્યારે યુવકે મેમોનો મેસેજ જોયો તો તેના હોશ ઉડી ગયા, કારણ કે તેમાં દંડની રકમ ૧૦ લાખ ૫૦૦ રૂપિયા લખેલી હતી. આટલી મોટી રકમનો મેમો જોઈને યુવક અને તેના પરિવારજનોની ઊંઘ હરામ થઈ ગઈ.
યુવકને આટલી મોટી રકમનો મેમો આવવા બદલ કોર્ટમાં જવું પડી શકે છે. જો કે, આટલી મોટી રકમ ભરવી યુવક કે કોઈ પણ મધ્યમ વર્ગના નાગરિક માટે અશક્્ય છે, તેથી તેણે પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી કરી અને પોતાની પરિસ્થિતિ જણાવી હતી. યુવકે વિનંતી કરી કે આ મેમોમાં કોઈ ભૂલ હોવી જોઈએ અને તેની તપાસ થવી જોઈએ.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા ૨૨ વર્ષના હડિયા અનિલને સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ ૧૦ લાખ ૫૦ હજારનો મેમો આવતા પરિવારના હાજા ગગડ્યા છે.