Western Times News

Gujarati News

બદલાતા સમયની માંગ સાથે ગુજરાતના યુવાનો શીખી રહ્યાં છે ન્યુ એઇજ કૌશલ્ય અભ્યાસક્રમો

પ્રતિકાત્મક

મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત 19 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસક્રમોમાં ઓતપ્રોત

ક્લાઉડ કોમ્પ્યુટીંગ, ડેટા એનાલિટીક્સ, ગ્રીન એન્ડ રિન્યુએબલ એનર્જી અને ઇલેકટ્રીકલ મોબિલીટી સહિતના અભ્યાસક્રમો

ભવિષ્યમાં એઆર/વીઆર લેબ તથા સેન્ટર ફોર ઇન્ડસ્ટ્રી 4.0 વિકસિત કરવામાં આવશે

બદલાતા સમયની માંગ સાથે, રાજ્યના યુવાનોમાં યોગ્ય કૌશલ્ય નિર્માણ થાય તે જરૂરી છે. વર્તમાન સમયમાં બ્લોકચેન ટેક્નોલોજી, એઆર (ઓગમેન્ટેડ રીયાલીટી) અને વર્ચ્યુઅલ રિયાલિટી, ડેટા સાયન્સ અને બિગ ડેટા, ગ્રીન એનર્જી તેમજ રોબોટિક પ્રોસેસ ઓટોમેશન ક્ષેત્રમાં કૌશલ્યની માંગ વધી રહી છે અને તે મુજબ ન્યુ એઇજ કોર્સીસ (અભ્યાસક્રમો) અંતર્ગત તાલીમ જરૂરી બની છે.

ગુજરાતના યુવાનોને શિક્ષણ ક્ષેત્રે વિશ્વકક્ષાની સુવિધાઓ અને તાલીમ મળી રહે, તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર હંમેશા વિવિધ યોજનાઓ અને પહેલ સાથે આગળ આવી છે. આ માટે મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય યોજના (MBKVY) અમલમાં મૂકવામાં આવી છે અને વિવિધ ન્યૂ એઇજ અભ્યાસક્રમોમાં અત્યારે રાજ્યના 19 હજારથી વધુ વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો છે.

     વર્લ્ડ ઇકોનોમિક ફોરમ રિપોર્ટ અનુસાર 5 વર્ષમાં સ્કિલ ક્ષેત્રનું ચિત્ર બદલાશે

વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ‘ફ્યુચર ઓફ ધ જોબ્સ (નોકરીઓનું ભવિષ્ય) રિપોર્ટ 2023’ અનુસાર, આગામી પાંચ વર્ષમાં, વિવિધ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી સ્કિલમાં ધરખમ ફેરફારો થશે. વ્યાપારમાં બદલાવ માટે, કોઈ ઉદ્યોગ ટેક્નોલોજીને કેવી રીતે સ્વીકારે છે, તે મહત્વપૂર્ણ બની રહેશે.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (A.I.), બિઝનેસ ઇન્ટેલિજન્સ, ઇન્ફોર્મેશન સિક્યોરિટી એનાલિસ્ટ્સ સહિતના ક્ષેત્રોમાં નોકરીની તકો વધશે. 2027 સુધીમાં કંપનીઓ ડિજીટલ પ્લેટફોર્મ અને એપ્સ, બિગ ડેટા એનાલિટિક્સ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (A.I.) સહિતની ટેક્નોલોજીનો ઉપયોગ કરતી થઇ જશે.

   ગુજરાતમાં 19 હજારથી વધુ વિદ્યાર્થીઓ ન્યુ એઇજ અભ્યાસક્રમોમાં

આ બાબતને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી અને MBKVY અંતર્ગત વિવિધ ન્યુ એઇજ અભ્યાસક્રમો સામેલ કર્યા છે. તેમાં ક્લાઉડ કોમ્પ્યુટીંગ, ડેટા એનાલિટીક્સ, મશીન લર્નિંગ, એડવાન્સ્ડ સીએનસી મશીન પ્રોગ્રામ, ડ્રોન પાયલટ કોર્સ,

ડ્રોન મેન્યુફેક્ચરીંગ અને પ્રોગ્રામીંગ, ગ્રીન ઇકોનોમી અને રિન્યુએબલ એનર્જી, સોલાર પીવી ઇન્સ્ટોલર-ઇલેક્ટ્રિકલ, સસ્ટેનેબલ અને નેચરલ ફાર્મિંગ, સોલાર ટેક્નિશિયન અને ઓટોમોટિવ ક્ષેત્રમાં ઇલેક્ટ્રિકલ મોબિલીટી સહિતના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. વિવિધ આઇટીઆઇ અને સંલગ્ન સંસ્થાઓમાં આ અભ્યાક્રમોની તાલીમ આપવામાં આવે છે. અત્યારે 19 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમોનો લાભ લઇ રહ્યા છે.

ઓગમેન્ટેડ રિયાલિટી / વર્ચ્યુઅલ રિયાલિટી (AR/VR) લેબોરેટરી અને સેન્ટર ફોર ઇન્ડસ્ટ્રી 4.0 વિકસિત કરાશે

ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રે હજુ વધારે અભ્યાસક્રમો અને સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. ડ્રોન એપ્લીકેશન અંતર્ગત રિમોટ સેન્સિંગ, પ્રિસીઝન એગ્રીકલ્ચર, ઇન્સ્પેક્શન ઓફ ઓવરહેડ પાવર લાઇન્સ, સર્ચ એન્ડ રેસ્ક્યુ, રોડ ટ્રાફિક રિયલ ટાઇમ મોનિટરીંગ સહિતના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે.

નોકિયા સાથે સહભાગિતામાં ટેલિકોમ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી રહી છે. તે સિવાય એઆર/વીઆર લેબ્સ, 8 ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનીંગ્સ ઓફ ટ્રેનર્સ (ITOT) કેન્દ્રો અને સેન્ટર ઓફ ઇન્ડસ્ટ્રી 4.0 વિકસિત કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રી 4.0 એ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અનુસાર 21મી સદીમાં સ્માર્ટ ઓટોમેશન અને ટેક્નોલોજીના લીધે ઉદ્યોગોમાં આવતા પરિવર્તનને સૂચવે છે.

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત એક લાખથી વધુ યુવાનોને તાલીમ

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ચાર વર્ષમાં એક લાખથી વધુ યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી અને ગુજરાત એપેક્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ દ્વારા યુવાનોની પ્રતિભાને ઉજાગર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાઓના સહયોગથી રાજ્યમાં કાર્યરત 600 જેટલી આઇ.ટી.આઇ.માં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને 125 જેટલા અભ્યાસ્ક્રમોના માધ્યમથી તાલીમ આપીને, રાજ્યમાં સ્કિલ્ડ વર્કફોર્સ નિર્માણ તરફ કામગીરી આગળ વધી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.