ગુજરાત યુનિવર્સિટી ખાતેથી ચૂંટણી સંદર્ભે ‘યુવા સંવાદ સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાયો
યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા તથા અચૂક મતદાનના શપથ લેવડાવવા અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના માર્ગદર્શનમાં કરાયું આયોજન
આગામી દિવસોમાં આ કાર્યક્રમ અંતર્ગત શહેરની 150થી વધુ શૈક્ષણિક સંસ્થાઓને આવરી લેવાશે
ગુજરાત યુનિવર્સિટી ખાતે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના માર્ગદર્શનમાં આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા અને અચૂક મતદાનના શપથ લેવડાવવા ‘યુવા સંવાદ સંકલ્પ યાત્રા’ નો પ્રારંભ કરાયો હતો.
આજનો જવાબદાર યુવાન આવતીકાલનો જવાબદાર નાગરિક છે આ સંદેશ સાર્થક કરવા ગુજરાત યુનિવર્સિટીના શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે આજે 450 જેટલા યુવાઓએ આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી પોતાની ફરજનું પાલન કરવાના શપથ લીધા હતા.
સ્વીપ એક્ટિવિટીના નોડલ ઓફિસર અને ગુજરાત યુનિવર્સિટી ગ્રંથપાલના કાર્યકારી ગ્રંથપાલ ડો.યોગેશ પારેખ જણાવે છે કે, આ ‘યુવા સંવાદ સંકલ્પ યાત્રા’ થકી આગામી દિવસોમાં શહેરના 150 જેટલા શૈક્ષણિક સંસ્થાઓ આવરી લેવામાં આવશે અને વધુમાં વધુ યુવાનોને મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા શપથ લેવડાવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના યુવાનોમાં લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણી માટે જાગૃતિ વધે તેમજ યુવાનો મોટી સંખ્યામાં મતદાર યાદીમાં નામ નોંધાવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે કેન્દ્રીય અને રાજ્ય ચૂંટણી પંચ કાર્યરત છે. ત્યારે અમદાવાદ શહેર તથા જિલ્લાના યુવાઓમાં મતદાન અંગે જાગૃતતા લાવવા અને વધુમાં વધુ મતદાન કરાવવા જિલ્લા કલેકટર કચેરી કટિબદ્ધ છે. જેના ભાગરૂપે આગામી સમયમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવા આ પ્રકારના અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.