Z કેટેગરી સુરક્ષાનો સ્વીકાર કરો, જેથી અમે ચિંતામાંથી મુક્ત થઈએ: અમિત શાહ

નવી દિલ્હી, AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીના વાહન પર ફાયરિંગ મામલે રાજ્યસભામાં જવાબ આપતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે ઓવૈસીનો હાપુડ જિલ્લામાં કોઈ પૂર્વઆયોજિત કાર્યક્રમ નહોતો, તેમના આંદોલનની કોઈ સૂચના જિલ્લા નિયંત્રણ વિભાગને આપવામાં આવી નહોતી. શાહે કહ્યું કે બે અજાણ્યા લોકોએ કાફલા પર ફાયરિંગ કર્યું હતું.
ઓવૈસી સુરક્ષિત રીતે બહાર આવી ગયા, પરંતુ તેમના વાહનના નીચેના ભાગે ગોળીનાં 3 નિશાન હતાં. આ ઘટનાને ત્રણ પ્રત્યક્ષદર્શીઓએ જોઈ હતી. તાત્કાલીક કાર્યવાહી કરતા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી, આરોપીઓ પાસેથી પિસ્તોલ અને એક ઓલ્ટો કાર મળી આવી હતી. ફોરેન્સિક ટીમ કાર અને ઘટના સ્થળની તપાસ કરી રહી છે અને પુરાવા એકઠા કરી રહ્યા છે.
અમિત શાહે કહ્યું કે ઓવૈસી જનસંપર્ક કાર્યક્રમ કર્યા બાદ દિલ્હી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન થયેલા હુમલામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અમિત શાહે આ વિશે વધુમાં કહ્યું આ હુમલા બાદ ઓવૈસીને Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી પરંતુ તેમણે આ સુરક્ષા સ્વિકારવાનો ઈનકાર કરી દીધો છે. અમિત શાહે વિનંતી કરી છે કે ઓવૈસી આ સુરક્ષા સ્વિકારે જેથી કરીને અમે ચિંતામુક્ત થઈએ.