આમોદ પંથકમાં નહેર વિભાગની ગંભીર બેદરકારીને કારણે ઘમણાદ અને નિણમ ગામમાં ખેડૂતોના લાખોનો પાક ધોવાયો
ભરૂચ: ગામલોકોએ નહેર રીપેર કર્યા વગર પાણી ના છોડવાનું કહ્યું છતાં નહેર વિભાગના અધિકારીએ પાણી છોડતા ખેડૂતો રાતપાણીએ. આમોદ તાલુકાના ઘમણાદ અને નિણમ ગામના તૂટેલી નહેરોમાં નહેર વિભાગના જવાબદાર અધિકારીઓએ પાણી છોડતા ખેડૂતોના ૧૮૦ વીંઘા જમીનમાં ઉભા પાકને નુકશાન થતા ખેડૂતોને રાતપાણીએ રડવાનો વારો આવ્યો હતો.
એક તરફ કુદરતી આપત્તિથી હજુ જગતના તાતને કળ વળી નથી ત્યાં માનવસર્જિત આપત્તિથી ખેડૂતોને લાખોનું નુકશાન ગયું હતું.આમોદ તાલુકાના ઘમણાદ તેમજ નિણમ ગામમાં આછોદ માઇનોર કેનલમાંથી પાણી આવે છે પરંતુ તે નહેર તદ્દન ભંગાર તેમજ તૂટેલી હાલતમાં હોવા છતાં તેનું રીપેરીંગ ના કરતા બંને ગામના લોકોએ નહેર વિભાગના જવાબદાર અધિકારીને પહેલા નહેર સાફ કરી તેને રીપેરીંગ કર્યા બાદ જ પાણી છોડવાનું ખેડૂતોએ જણાવ્યું હતું છતાં નહેર વિભાગના અધિકારીએ પોતાની મનમાની ચલાવી તકલાદી બનેલી નહેરમાં પાણી છોડતા ખેડૂતોના ખેતરમાં પાણી ઘુસી ગયું હતું અને ખેડૂતોની ૧૮૦ વીંઘા જમીનમાં કપાસ, તુવેર, મગનો ઉભો પાક નાશ પામ્યો હતો.