ઊંઝા : આજથી લક્ષચંડી મહાયજ્ઞનો શુભારંભ
અમદાવાદ: ઊંઝામાં ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ થશે. ઊંઝામાં તા.૧૮થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન યોજાનાર ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં ૫૦ લાખથી વધુ દર્શનાર્થીઓ પધારવાની ધારણા છે. અહીંયા દેશ વિદેશથી લાખો ભક્તો મા ઉમિયાના દર્શન માટે આવવાના છે. તેમના રહેવા, જમવા અને દર્શન કરવા માટેની સાથે સલામતીની વ્યવસ્થા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે. પાંચ દિવસના આ મહાયજ્ઞમાં આમંત્રિત મહેમાનોની સેવા માટે ૫૦ હજારથી વધુ સ્વંયસેવકો સતત ખડેપગે હાજર રહેશે..
જેના માટે અલગ-અલગ વિભાગની ૪૦ કમિટી બનાવીને જવાબદારી સોંપવામાં આવી છે. ઊંઝા, ઉમિયાનગરમાં તા.૧૮થી ૨૨ ડિસેમ્બર સુધી યોજાયેલા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ યોજાવાનો છે. તેમાં દેશવિદેશથી લાખોની સંખ્યામાં પાટીદારો ઉમટવાના છે, ત્યારે પાટીદારોના ગૌરવ સમા મહાપર્વમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ત્રણ રાજ્યના મુખ્યમંત્રીઓ, બે રાજ્યના રાજ્યપાલો, એક કેન્દ્રશાસિત પ્રદેશના શાસનાધિકારી, તેમજ ભાજપ અને કાંગ્રેસના તેમજ દેશની અન્ય પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજરી આપવા આવનાર છે.
ઊંઝાના ઐઠોર રોડ ઉપર મહોત્સવ માટે ૭૦૦ વીઘા જમીનમાં વિશાળ ઉમાનગર તૈયાર કરાયું છે. ૫૦૦ વીઘા જમીનમાં ૧૦૦ બાય ૨૩૦ ફૂટ પહોળા અને ૮૧ ફૂટ ઊંચા વિશાળ યજ્ઞમંડપ બનાવાયો છે. આવતીકાલે તા.૧૮ ડિસેમ્બરે લક્ષચંડી મહાયજ્ઞનો શુભારંભ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટનથી થશે. જ્યારે યજ્ઞ સમારોહના અધ્યક્ષ સ્થાને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપવાના છે. તેમાં મુખ્ય મહેમાનના રૂપમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી પરસોતમ રૂપાલા હાજર રહેશે.
જ્યારે અતિથિ વિશેષ તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, કેબિનેટ મંત્રી કૌશિક પટેલ, કેબિનેટ મંત્રી સૌરભ પટેલ અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા હાજરી આપવાના છે. બીજા દિવસે તા.૧૯ ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવીયા, કેબિનેટ મંત્રી કૌશિક પટેલ અને સૌરભ પટેલ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજરી આપવા પહોંચશે.
વિશ્વ વિખ્યાત જગત જનની મા ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞના Live દર્શન https://t.co/XKfpjh7CwO
— Parshottam Rupala (@PRupala) December 18, 2019
તો, તા.૨૦ ડિસેમ્બરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, દીવ અને દમણના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ, કેબિનેટ મંત્રી ગણપત વસાવા, દિલીપ ઠાકોર, ઈશ્વર પરમાર, કુંવરજી બાવળીયા તેમજ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર, કિશોર કાનાણી અને વિધાનસભા મુખ્ય દંડક પંકજ દેસાઈ હાજરી આપવા પહોંચશે. એ પછી તા.૨૧ ડિસેમ્બરે બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેશ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને જવાહર ચાવડા, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબર, વાસણ આહીર, વિભાવરી દવે, રમણ પાટકર, યોગેશ પટેલ અને નાયબ દંડક આર.સી.પટેલ હાજરી આપવા પહોંચશે.
જયારે તા.૨૨ ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમ નું સમાપન થવાનું છે જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ,ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત અન્ય સાંસદો અને ધારાસભ્યો હાજરી આપશે.