ગુજરાતના ખેડૂતોને સહાય ચૂકવાશેઃ આર.સી.ફળદુ
રાજકોટ: રાજકોટના તરઘડીયા કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂતોનું સંમેલન યોજાનાર છે. સંમેલનને લઇને રાજકોટના સર્કિટ હાઉસ ખાતે કૃષિમંત્રી આર.સી. ફળદુએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી જે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે તેવા ખેડૂતોને બુધવારથી સહાય ચૂકવવાનું શરૂ કરવામાં આવશે.
આર.સી ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે, બુધવારે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇજીનો જન્મદિવસ છે. રાજકોટના તરઘડીયામાં કાલે લાભાર્થી ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થશે. મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની ઉપસ્થિતિમાં ખેડૂતોને સહાયના ચેક પણ અર્પણ કરવામાં આવશે. ખેડૂતોને નુકસાની હશે તેમાં સરકાર અવશ્ય મદદ કરશે. જે ખેડૂતોએ નુકસાન બાબતે અરજી નથી કરી તે હજુ કરી દે.
ખેડૂત સંમેલનમાં આર.સી. ફળદુ, કુંવરજીભાઇ બાવળિયા સહિત રાજકીય આગેવાનો હાજર રહેશે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન સંદર્ભે રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને દ્વારકા જિલ્લાના 1 લાખ સહિત રાજ્યભરમાંથી 24 લાખ ખેડૂતોએ સહાય અંગે અરજી કરી હતી. સરકારે નાના ખેડૂતો માટે હેક્ટર દીઠ 6 હજાર અને 4 હજારની સહાય જાહેર કરી છે. આ અરજી કરનાર ખેડૂતોને દાવા અંગેના પ્રમાણપત્ર આપવામાં આવશે.