ધીરૂભાઈ અંબાણીઃ ભારતીય શેરબજારના ભીષ્મ પિતામહ
RIL – રૂ. 10 લાખ કરોડનું માર્કેટ કેપ હાંસલ કરનાર ભારતની પ્રથમ કંપની
તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.)ની યશકલગીમાં નવું છોગું ઉમેરાયું. ભારતીય શેરબજારમાં કંપનીની બજાર મૂડી (માર્કેટ કેપિટલાઇઝેશન) રૂ. 10 લાખ કરોડને આંબી ગઇ, જે ભારતના શેરબજારના ઇતિહાસમાં નવું સીમાચિહ્ન છે. તેથી, આજે તેમની 87મી જન્મજયંતિ પર, મને શ્રી ધીરૂભાઈ અંબાણીની ‘ભારતીય શેરબજારના ભીષ્મ પિતામહ’ તરીકેની ભૂમિકા અને મધ્યમ વર્ગના રોકાણકારો માટે સંપત્તિનું સર્જન કરવાની તેમની ખંત યાદ આવે છે. આર.આઇ.એલ.ના તમામ રોકાણકારોને ધીરૂભાઈ અંબાણીની દૂરંદેશીને કારણે ઘણો જ ફાયદો થયો છે અને તેમના બાદ તેમના સુપુત્ર શ્રી મૂકેશ ડી. અંબાણીએ આ વિરાસત ચાલુ રાખી છે.
રિલાયન્સનો આઇ.પી.ઓ. સન્ 1977માં આવ્યો અને તે સમયે કંપનીના શેરમાં રૂ. 10,000નું રોકાણ કરનારા રોકાણકારોની મૂડી આજે રૂ. 2.1 કરોડ થઈ ગઈ હોવાનું સી.એન.બી.સી.ટી.વી.18ના નવેમ્બર 2019ના છેલ્લા સપ્તાહના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. એટલે કે રોકાણકારોને 2,09,900 ટકા જેટલું માતબર વળતર મળ્યું.
ધીરૂભાઈ અંબાણી વિશ્વના શ્રેષ્ઠતમ અને અગ્રિમ પંક્તિના વ્યાવસાયિક અગ્રણીઓમાં સ્થાન પામતા હતા. તેમના અપ્રતિમ દૂરંદેશી, ખંત, અથાગ પ્રયત્નો અને નવતર પ્રયોગો સાથે આર.આઇ.એલ. ફોર્ચ્યુનની વિશ્વની સૌથી મોટી કંપનીઓની વૈશ્વિક યાદીમાં સ્થાન પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપની બની. આજે, મૂકેશભાઈના નેતૃત્વમાં રિલાયન્સે આઇ.ઓ.સી.ને પાછળ છોડીને ફોર્ચ્યુન ઇન્ડિયા 500 લિસ્ટમાં સૌથી મોટી કંપની બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું છે.
ધીરૂભાઈને લોકો માટે અને પોતાના દેશ માટે સંપત્તિનું સર્જન કરવાનું ગમતું હતું. તેઓ કહેતા, ‘શ્રેય જે ભારત તણું એ જ શ્રેય રિલાયન્સ તણું’. તેમણે ભારતમાં ‘ઇક્વિટી કલ્ટ’ પ્રસ્થાપિત કરવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. 1960 અને 1970ના દાયકાઓમાં ભારતીય શેરબજાર પર સમૃધ્ધ ઉદ્યોગપતિઓ અને દલાલોની એકહથ્થુ આણ પ્રવર્તતી હતી. ધીરૂભાઈએ ધનિકોના આ ગઢમાં ગાબડું પાડ્યું અને લાખો મધ્યમવર્ગીય ભારતીયોને આ પ્રક્રિયાનો હિસ્સો બનાવી તેમના માટે રોકાણ અને આવક મેળવવાના નવાં દ્વાર ખોલી આપ્યાં.
બેન્કો અને નાણાંકીય સંસ્થાઓએ ધીરૂભાઈને નવા પ્રોજેક્ટ માટે પૂરતા પ્રમાણમાં ભંડોળ આપવામાં આનાકાની કરી, તેથી તેમણે સીધા જ લોકો પાસેથી ભંડોળ મેળવવાનો વિકલ્પ પસંદ કર્યો. સન્ 1977માં રિલાયન્સનું જાહેર ભરણું (આઇ.પી.ઓ.) આવ્યું, જેને ખૂબ જ બહોળો પ્રતિસાદ મળ્યો. દેશભરમાંથી 58,000 કરતાં વધારે રિટેલ રોકાણકારોએ ધીરૂભાઈમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને ઇશ્યુ છલકાઈ ગયો. ત્યારબાદ, રિટેલ રોકાણકારોએ પાછું વળીને જોવાનું ન રહ્યું અને તેમને મબલખ વળતર મળ્યું.
જ્યારે મોટાભાગના ઉદ્યોગપતિઓ સરકારી માલિકીની નાણાંકીય સંસ્થાઓ અને બેન્કો પાસેથી મળતા ભંડોળ પર આધાર રાખતા હતા તેવા સમયે ધીરૂભાઈએ સમાજના પિરામીડના પાયામાં રહેલા સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો વિચાર અમલમાં મૂક્યો. રિટેલ રોકાણકારોમાં તેમણે મૂકેલા વિશ્વાસથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બી.એસ.ઇ.)ને પણ ખૂબ જ ફાયદો થયો અને તેની સામે ઊંચું ડિવિડન્ડ ચૂકવવાની રિલાયન્સની ક્ષમતાની સાથે-સાથે શેરની કિંમતમાં થતા વધારાને કારણે લાખો રોકાણકારો શેરબજારમાં રોકાણ કરતા થયા.
ઘણા નાના રોકાણકારો તો ધીરૂભાઈને ભગવાનની જેમ પૂજતા હતા. એવાં સેંકડો ઉદાહરણ જોવા મળશે જ્યાં રિલાયન્સના શેરના મળેલા મબલખ વળતરને કારણે સામાન્ય માણસો પોતાના સંતાનોનાં લગ્ન સહિતની સામાજિક જવાબદારીઓને સારી રીતે પરિપૂર્ણ કરી શક્યા હોય. ધીરૂભાઈને મળેલી અપ્રતિમ સફળતા જોઇને ભારતની અન્ય કંપનીઓએ પણ લોકો પાસેથી ફંડ મેળવવાના વિકલ્પને પ્રાથમિકતા આપવા માંડી અને આમ, ધીરૂભાઇએ શરૂ કરેલો ઇક્વિટી કલ્ટ પ્રસરવા લાગ્યો.
ત્યારબાદ, ધીરૂભાઇએ નાણાંકીય ભંડોળ મેળવવાના અન્ય નવીનતમ વિકલ્પો પર અમલ કર્યો, જે અગાઉ ક્યારેય કોઇએ ભારતમાં અપનાવ્યા ન હતા. સન્ 1992માં ગ્લોબલ ડિપોઝીટરીમાંથી ફંડ મેળવીને તેમણે ભારતીય ઉદ્યોગપતિઓને સસ્તા દરે ધિરાણ મેળવવાનો નવો રાહ ચિંધ્યો. વધુમાં, સન્ 1977માં અમેરિકાના ધિરાણ બજારમાંથી 50 અને 100 વર્ષના બોન્ડ જારી કરનારી રિલાયન્સ એશિયાની પ્રથમ કંપની બની.
ધીરૂભાઈએ 42 વર્ષ પહેલાં શરૂ કરેલા ઇક્વિટી કલ્ટને કારણે આજે માર્કેટ કેપીટલાઇઝેશનની દૃષ્ટિએ ભારતીય શેરબજાર વિશ્વના ટોચના 10 શેરબજારમાં સ્થાન પામે છે અને આ સિધ્ધિ પ્રાપ્ત કરવામાં આર.આઇ.એલ.નું પ્રદાન ખૂબ જ મોટું પરિબળ છે. (શ્રી પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ અને રાજ્ય સભાના સાંસદ છે.)