નાગરિક બિલ: દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન જારી
આસામમાં ઇન્ટરનેટ સર્વિસ ફરી શરૂ: બંગાળના હાવડા જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી: મેઘાલયમાં મોબાઇલ ઇન્ટરનેટની સર્વિસ બંધ |
ગુવાહાટી, નાગરિક સુધારા બિલની સામે દેશના જુદા જુદા ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન જારી છે. જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે. જ્યારે કેટલીક જગ્યાએ સ્થિતિ સામાન્ય બનતા સંચારબંધીને દુર કરવામાં આવી છે અને ઇન્ટરનેટ સેવા પણ ફરી શરૂ કરી દેવામાં આવી છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં સ્થિતિમાં સુધારો થયો છે સરકારે દાવો કર્યો છે કે સંચારબંધીને દુર કરવામાં આવી ચુકી છે. નાગરિક સુધારા કાનુનની સામે હિંસક પ્રદર્શન થયા બાદ બંધ કરવામાં આવેલી બ્રાડબેન્ડ ઇન્ટરનેટ સેવા આજે સવારે ફરી શરૂ કરી દેવામાં આવી છે. ડિબ્રુગઢમાં સવારથી સંચારબંધી ઉઠાવી લેવામાં આવી છે.
મુખ્યપ્રધાન સર્બાનંદના નેતૃત્વમાં કેબિનેટની બેઠકમાં કેટલાક મોટા નિર્ણય કરવામાં આવ્યા હતા.આસામમાં હિંસામાં હજુ સુધી પાંચ લોકોના મોત થયા છે અને ૮૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આસામના પ્રધાન હેમંત વિશ્વાએ કહ્યુ છે કે આસામના દરેક વિસ્તારમાંથી સંચારબંધી ઉઠાવી લેવામાં આવી છે. આસામમાં સ્કુલ અને કોલેજ ૨૨મી ડિસેમ્બર સુધી બંધ રહેનાર છે. દરમિયાન હિંસક વિરોધ પ્રદર્શન પર કાબુ મેળવી લેવા માટે કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. મેંઘાલયના શિલોંગમાં પણ સંચારબંધી હળવી કરવામાં આવી છે.
જો કે અહીં મોબાઇલ ઇન્ટરનેટ સેવા હજુ બંધ રાખવામાં આવી છે. ડીએમકેના નેતા કોનીમોઝી અને દયાનિધી મારન સહિતના નેતાઓએ આજે દેખાવો કર્યા હતા. બંગાળના હાવડા જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે. ઉત્તરપૂર્વીય રાજ્યો, દિલ્હી, મુંબઈ અને અન્ય ભાગોમાં પણ દેખાવકારો હવે મેદાનમાં આવી ગયા છે. તીવ્ર વિરોધ પ્રદર્શનના કારણે સ્થિતિ તંગ બનેલી છે. સ્કુલ અને કોલેજાને આસામમાં બંધ રાખવાની ફરજ પડી છે. નાગરિક સુધારા કાનૂનની સામે જામિયા અને અલીગઢ યુનિવર્સિટી બાદ હવે લખનૌના નદવા કોલેજમાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શનની શરૂઆત થઇ ગયા બાદ કઠરો પગલા લેવામાં આવી રહ્યા છે. દારુલ ઉલુમ નદવાતુલ ઉલામા (નદવા કોલેજ)ના ગેટ ઉપર વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. પોલીસને કોલેજના ગેટને બંધ કરી દેવાની ફરજ પડી હતી. સામ સામે પથ્થરમારો થયો હતો. દિલ્હીમાં આજે સ્થિતિ વિસ્ફોટક રહી હતી. જામિયા વિસ્તારમાં હિંસા બાદ ફેલાઈ રહેલી અફવાઓ અને લાગી રહેલા આક્ષેપો પર દિલ્હી પોલીસે આજે પત્રકાર પરિષદ યોજી હતી.
દિલ્હી પોલીસ તરફથી પીઆરઓ એનએસ રંધાવાએ મિડિયા સામે આવીને સ્પષ્ટતા કરી હતી. વિરોધ પ્રદર્શનમાં જામિયાના વિદ્યાર્થીઓની સાથે સાથે આસપાસના લોકો પણ સામેલ હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. તેમણે કહ્યું હતુ કે, પોલીસ તરફથી કોઇ ગોળી ચલાવવામાં આવી નથી. કોઈનું મોત થયું નથી. અફવાઓથી બચવા લોકોને કહેવામાં આવ્યું છે. રવિવારના દિવસે કેટલીક બસોને આગ ચાંપી દેવામાં આવી હતી. હોÂસ્પટલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દેખાવકારોએ પોલીસ પર બલ્બ, ટ્યુબલાઇટ ફેંકી હતી. પોલીસના કહેવા મુજબ ચાર ડીટીસીની બસ, પોલીસ વાહન સહિત ૧૦૦ ખાનગી વાહનોને ફૂંકી મારવામાં આવ્યા હતા. જો કે, હવે સ્થિતિ કાબમાં છે. જામિયા મિલિયા ઇસ્લામિયા અને દિલ્હીના અન્ય વિસ્તારોમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ કેટલાક સ્ટેશન પર મેટ્રો ટ્રેનને નહીં રોકવાનો નિર્ણય કરાયો છે. વિદ્યાર્થીઓ ઉપર પોલીસે કાર્યવાહી પણ કરી હતી જેમાં કેટલાકને ઇજા થઇ છે. આસામમાં હજુ સુધી ચાર લોકોના મોત થઇ ચુક્યા છે.
આસામ ઉપરાંત મેઘાલય, ત્રિપુરામાં દેખાવો થયા છે. બંગાળમાં પણ સ્થિતિ હિંસક બનેલી છે. સ્થિતિને કાબૂમાં લેવા તમામ જગ્યાઓએ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સંચારબંધી પણ લાગૂ કરાઈ છે. ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે. કઠોર નિયંત્રણો હોવા છતાં ગેરમાર્ગે દોરાયેલા લોકો હિંસા પર ઉતરેલા છે.નાગરિક કાનુનને લઇને દેખાવોને રોકવા માટે વિવિધ પગલા લેવાઇ રહ્યા છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે નાગરિક સુધારા બિલ સંસદમાં પાસ કરવામાં આવ્યા બાદ શહેર અને રાજ્યોમાં હિંસક દેખાવોનો દોર શરૂ થયો હતો.
સૌથી વધારે હાલત આસામમાં ખરાબ થઇ હતી. આસામમાં હિંસક દેખાવોમાં પોલીસ ગોળીબારમાં પાંચ લોકોના મોત થઇ ચુક્યા છે. કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યોને એડવાઇઝરી જારી કરીને હિંસા રોકવા માટે અપીલ કરવામાં આવી છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યુ છે કે કાનુન અને વ્યવસ્થાને જાળવી રાખવામાં આવે તે જરૂરી છે. તમામ સામાન્ય લોકોની લાઇફ કેન્દ્ર માટે કિંમતી છે.