મુખ્યમંત્રીએ સાબરમતી રેલવે સ્ટેશન થી અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેનને લીલી ઝંડી આપી
અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં બિરાજમાન પ્રભુ શ્રી રામચંદ્રજીના દર્શન માટે અમદાવાદના ૧૪૦૦ જેટલા શ્રદ્ધાળુઓ આસ્થા સ્પેશ્યલ ટ્રેન દ્વારા પહોંચશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને બુધવારે રાત્રે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા, પ્રભુશ્રી રામચંદ્રજી પ્રત્યેની અડગ શ્રદ્ધા અને સમર્પણના પરિણામે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રમલલ્લા બિરાજમાન થયા છે. આ ભવ્ય રામમંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુસર અમદાવાદ થી અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના ૧૪૦૦ જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા શ્રીરામ લલ્લાના દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આ આસ્થા સ્પેશ્યલ ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ રવાના કરાવી હતી.આ ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રીશ્રીએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી હતી અને સફળ યાત્રાની શુભેચ્છાઓ આપી હતી. અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામ લલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો. સાબરમતી રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો.સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, તેમજ અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ, પ્રભારી શ્રી સંજય પટેલ, સહકોષાધ્યક્ષ અને સહપ્રભારી શ્રી ધર્મેન્દ્ર શાહ તેમજ અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.