લે. જનરલ નરવણેએ સેના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હી, જનરલ બિપિન રાવત આજે ભારતીય ભૂમિદળના સેનાપતિપદેથી નિવૃત્ત થઇને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી સંભાળી ત્યારે લેફ્ટંનંટ જનરલ મનોજ મુકુંદ નરવણે ભૂમિદળના સેનાપતિનો હોદ્દો ધારણ કર્યો. આવા પ્રસંગે નવા સેનાપતિ મનોજ મુકુંદ નરવણેનો પરિચય મેળવવાનું અસ્થાને નહીં ગણાય. ચાલુ વર્ષના સપ્ટેંબરમાં નાયબ સેનાપતિની જવાબદારી સંભાળવા પહેલાં તેઓ પૂર્વી કમાન્ડના વડા હતા. આ દળ ચીન સાથે જોડાતી 4,000 કિલોમીટર લાંબી ભારતીય સીમા પર બાજ નજર રાખે છે.
37 વર્ષની પોતાની દીર્ઘ કારકિર્દીમાં લેફ્ટનંટ જનરલ નરવણેએ શાંતિ ક્ષેત્ર, સંઘર્ષ ક્ષેત્ર અને જમ્મુ કશ્મીર જેવા સતત અશાંત રહેલા વિસ્તારમાં પણ પ્રશંસનીય સેવા બજાવી છે. જમ્મુ કશ્મીરમાં રાષ્ટ્રીય રાયફલ્સની બટાલિયન અને ઇસ્ટર્ન મોરચે ઇન્ફ્રન્ટ્રી બ્રિગેડના વડાની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. પોતાની સુદીર્ઘ કારદિર્દી દરમિયાન તેમને સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલ અને અતિવિશિષ્ટ સેવા મેડલ મળી ચૂક્યા છે. 1980ના જૂનમાં એમને સીખ લાઇટ ઇન્ફ્રન્ટ્રી રેજિમેન્ટની સાતમી બટાલિયનમાં ઑફિસર તરીકે કમિશન્ડ કરાયા હતા.