વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાથે મળીને કામ કરવાની ઓફર કરી હતીઃ શરદ પવાર
મુંબઇ, મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપી ગઠબંધનની સરકાર બન્યા બાદ એનસીપીનાં વડા શરદ પવારે વડા પ્રધાન સાથેની તેમની બેઠક અંગે મોટો ખુલાસો કર્યો છે. શરદ પવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ‘ સાથે મળીને કામ’ કરવાની ઓફર કરી હતી, પરંતુ તેમણે આ ઓફર ફગાવી દીધી હતી. પવારે સોમવારે મરાઠી ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં આ દાવો કર્યો હતો.
શરદ પવારે મરાઠી ચેનલને આપેલી મુલાકાતમાં વડા પ્રધાન સાથેની બેઠકમાં ખુલ્લેઆમ વાત કરી હતી. પવારે કહ્યું કે, વડા પ્રધાન મોદીએ સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મેં તેમને કહ્યું કે આપણા અંગત સંબંધો ખૂબ સારા છે અને તે હંમેશા રહેશે, પરંતુ સાથે કામ કરવું મારા માટે શક્ય નથી. તેમણે કહ્યું કે પીએમ મોદીએ પુત્રી સુપ્રિયા સુલેને કેબિનેટ પ્રધાન બનાવવાની દરખાસ્ત પણ કરી હતી. શરદ પવારે કહ્યું કે મેં પીએમ મોદીનાં પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
શરદ પવારે મહારાષ્ટ્રમાં સરકારની રચનાનાં ચાલુ ઘટનાક્રમ વચ્ચે ગયા મહિને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ અનેક પ્રસંગોએ પવારની પ્રશંસા કરી છે. તાજેતરમાં જ પીએમ મોદીએ કહ્યું હતું કે સંસદીય નિયમોનું પાલન કેવી રીતે કરવામાં આવે છે તે વિશે તમામ પક્ષોએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પાસેથી શીખવું જોઈએ. શરદ પવારે મધ્યરાત્રીનાં શપથ સમયે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ ૨૮ નવેમ્બરનાં રોજ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારે અજિત પવારને શપથ નહીં લેવાનો નિર્ણય ‘સમજી વિચારને’ લેવામાં આવ્યો હતો.
પવારે કહ્યું, ‘જ્યારે મને અજિતનાં (દેવેન્દ્ર ફડણવીસને આપવામાં આવેલ) ટેકા વિશે ખબર પડી, ત્યારે મેં પહેલા ઠાકરેનો સંપર્ક કર્યો. મેં તેમને કહ્યું કે જે બન્યું તે બરાબર નથી અને તેમને ખાતરી આપી કે હું અજિતનાં બળવાને દબાવી દઇશ. તેમણે કહ્યું, ‘જ્યારે એનસીપીમાં બધાને ખબર પડી કે અજિતનાં પગલાને મે સમર્થન કર્યુ નથી, ત્યારે તેમની સાથે (અજિત) જે પાંચ-દસ (ધારાસભ્યો) હતા તેમના પર દબાણ વધી ગયુ હતુ.