શાળા-આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ૧.૫૯ કરોડ બાળકોની આરોગ્ય તપાસ થશે
બાળકો ભવિષ્યની ઍસેટ બને – સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તેવો આ મિશન ઇન્દ્રધનુષ ૨.૦નો ધ્યેય છે- મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી
- મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીએ બાળકોને રસીના ટીપા પિવડાવી સઘન મિશન ઇન્દ્રધનુષ 2 નો પ્રારંભ કરાવ્યો
- રસીકરણની જાગૃતી કેળવતી નાટ્ય પ્રસ્તુતિ
- મુખ્યમંત્રીશ્રીના હસ્તે આરોગ્ય યોજનાની માહિતી આપતી ‘આરોગ્ય’ પત્રીકાનું વિમોચન
- ૨૦૦ કરોડના ખર્ચે રસીકરણ અભિયાન રાજ્યનું એક પણ બાળક રોગપ્રતિકારક રસીથી વંચિત ન રહી જાય તેની પૂરતી તકેદારી રખાશે
શ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યવ્યાપી સઘન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ નો અમદાવાદથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, દેશના વિકાસની બુનિયાદ વધુ સંગીન બનાવવા આવનારી પેઢી સમાન બાળકો સ્વસ્થ તંદુરસ્ત નિરોગી હોય તે આવશ્યક છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ બાળકો ભવિષ્યની ઍસેટ બની રહે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તેવી આ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ની નેમ છે.તેમણે કહ્યુ કે, રાજ્ય સરકાર ૨૦૦ કરોડના ખર્ચે આ રસીકરણ અભિયાન ચલાવીને રાજ્યનું એક પણ બાળક રોગપ્રતિકારક રસીથી વંચિત ન રહી જાય તેની પૂરતી તકેદારી રાખી મહોલ્લે-મહોલ્લે રસીકરણ બુથ ઊભા કરી પ્રત્યેક બાળકને નિરોગી અને રોગ પ્રતિકારક શકિતવાળું બનાવવા પ્રતિબદ્ધ છે.
મુખ્મંત્રીશ્રી એ ભૂતકાળમાં આરોગ્ય અને શિક્ષણ જેવા પાયાના ક્ષેત્રો પ્રત્યે જે ઉપેક્ષા સેવવામાં આવી તેની આલોચના કરતા કહ્યુ કે, આગાઉ વોટબેંકની રાજનીતિમાં સરકારો જ ચાલી, દેશ ના ચાલ્યો. હવે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વિકાસની રાજનીતિ અને સૌના સાથ -સૌના વિકાસથી દેશ ચલાવવા સાથે દેશના ભાવિનું આરોગ્ય રક્ષિત રાખવાના ભાવથી મિશન ઇન્દ્રધનુષ ઉપાડ્યું છે.
શ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્ય સરકાર પણ શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને સ્વચ્છતા જેવા પાયાના ક્ષેત્રોમાં વધુ ભાર આપી રહી છે, તેની ભૂમિકા આપી હતી.
તેમણે શાળા-આરોગ્ય કાર્યક્રમમાં ૧.૫૯ કરોડ બાળકોની આરોગ્ય તપાસ અને કિડની, હ્ર્દય રોગ, ફાટેલા હોઠ, જેવા રોગની સારવાર રાજ્ય સરકાર વિના મૂલ્યે કરાવી આપે છે તેની વિગતો આપી હતી.
તેમણે બાળકોને પાંચ વર્ષમાં સાત વાર રસીકરણ થી ટી.બી., પોલિયો, ડિપ્થેરીયા, કમળો, ઓરી અને રુબેલા જેવા રોગથી બચાવી પોલિયો મુક્ત ભારત પોલિયો મુક્ત ગુજરાત જેમ જ ટી.બી મુક્ત ઓરી મુક્ત રુબેલા મુક્ત નિરોગી સ્વસ્થ ભારત-સ્વસ્થ ગુજરાતના નિર્માણમાં સૌના સહયોગનું આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીએ સમાજની દરેક વ્યક્તિને પોતાની આસપાસ આડોશ-પડોશમાં રહેતું એક પણ બાળક રસીકરણની આ ઝુંબેશથી વંચિત ન રહી જાય તેવું સામાજિક દાયિત્વ નિભાવવા પણ અપીલ કરી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવીનતમ કાર્યક્રમો થકી પ્રજાની સુખાકારી માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ભારતમાં અને ગુજરાતમાં ગરીબ મધ્યમ વર્ગના લોકો નાણાના અભાવે આર્થિક સંકળામણ અનુભવી રોગોની સારવારથી વંચિત ન રહે તેવો વર્તમાન સરકારનો સંકલ્પ છે
શ્રી નીતિનભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો અમલ માત્ર કાગળ પર નહીં પણ ફળદાયી પરીણામ મેળવવા ધરાતલ પર તેનો અમલ વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
તેઓએ જણાવ્યું કે, સરકાર હોસ્પિટલમાં તો રસીકરણની સેવા આપે જ છે પરંતુ હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા આંતરિયાળ વિસ્તારમાં પણ લોકોના ઘર-ઘર સુધી જઈ નવજાત બાળકોની વિગત મેળવી રસીકરણનો લાભ આપવામાં આવી રહ્યો છે.
શ્રી નીતિનભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં બાળમૃત્યુ દર તથા સગર્ભા માતામૃત્યુ દર સતત ઘટી રહ્યો છે જે વર્તમાન સરકારની સિદ્ધિ છે. આપણે સૌએ સાથે મળી જાગૃતિ કેળવી બાળકોને પાંચ વર્ષમાં સાત વાર રસી મુકાવાની છે અને સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરવું છે.
નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ‘મા-વાત્સલ્ય’, ‘પ્રધાનમંત્રી જન-આરોગ્ય’ અને ‘શાળા-આરોગ્ય’ કાર્યક્રમો થકી ગુજરાતને સ્વસ્થ-તંદુરસ્ત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ સુશ્રી જયંતિ રવિએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ‘સઘન મિશન ઇન્દ્રધનુષ 2.0’ કાર્યક્રમનું અમલીકરણ દેશભરમાં કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પણ તમામ બાળકને સંપુર્ણ રસીકરણનો લાભ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે.
ડૉ. જયંતિ રવિએ ઉપસ્થિત વાલીઓને અપીલ કરતાં કહ્યું કે, ઘણીવાર અમુક કારણોસર લોકો રસીકરણથી પોતાના બાળકને દૂર રાખે છે જે યોગ્ય નથી. રસીકરણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. રસીકરણ બાદ બાળકને હળવો તાવ આવે તે સ્વાભાવિક છે જેનાથી ડરવાની જરૂર નથી, એમ તેઓએ ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર સુશ્રી બિજલબેન પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ શ્રી ડૉ. જયંતિ રવી, મ.ન.પા. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી અમુલ ભટ્ટ, મ.ન.પા. કમિશનર શ્રી વિજય નહેરા, મ.ન.પા.ના આરોગ્ય વિભાગના અધિકારીઓ, શાસક પક્ષના પદાધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.