Western Times News

Gujarati News

ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું

ડીપીએસ સ્કૂલના વાલીઓ તથા બિન સચિવાલય કલાર્કની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ
દ્વારા ઉગ્ર દેખાવના એલાન બાદ પોલીસ તંત્ર એલર્ટ

(પ્રતિનિધિ) અમદાવાદ: હાથીજણ સ્થિત ડીપીએસ સ્કુલની માન્યતા રદ્દ કરી દેવાના મુદ્દે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું છે આ નિર્ણયના વિરોધમાં અને શૈક્ષણિક કાર્ય આજ સંકુલમાં પુનઃ શરૂ થાય તેવી માંગણી સાથે વાલીઓએ ગઈકાલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ દેખાવો કર્યાં હતાં પરંતુ કોઈ યોગ્ય ખુલાસો કરવામાં નહી આવતા આજે તમામ વાલીઓ ગાંધીનગર દેખાવો કરવા જવાના છે.

આ અંગેની વિગત એવી છે કે શાળા સંચાલકોએ આચરેલી ગેરરીતિના કારણે સીબીએસસીના અધિકારીઓએ ડીપીએસ સ્કુલની માન્યતા રદ્દ કરી દીધી છે જેના પરિણામે ધો.૧ થી ૮ ના કલાસોને તાળા મારી દેવામાં આવતા ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ જાખમાયું છે આ નિર્ણયના વિરોધમાં ગઈકાલે એકત્ર થયેલા વાલીઓએ વસ્ત્રાપુર બહુમાળી ભવનમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં જઈ ઉગ્ર રજુઆતો કરવા સાથે દેખાવો કર્યાં હતાં ત્યારબાદ આજે સવારથી જ વાલીઓની મીટીંગો મળી રહી છે

જેના પગલે પોલીસ તંત્ર પણ એલર્ટ થયેલું છે આજે વાલીઓ સામુહિક રીતે ગાંધીનગર કુચ કરવાના છે અને ત્યાં શિક્ષણ મંત્રી સમક્ષ રજુઆત તથા દેખાવો કરવાનો નિર્ણય લીધો છે જેના પગલે પોલીસ અધિકારીઓ સવારથી જ બંદોબસ્તમાં ગોઠવાઈ ગયા છે. ડીપીએસ સ્કુલના વાલીઓ ઉપરાંત તાજેતરમાં જ લેવાયેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિઓ થયાની વિગતો બહાર આવતા જ વિદ્યાર્થીઓમાં રોષ જાવા મળી રહયો છે. કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના કેન્દ્રોમાં થયેલી ગેરરીતિના વિડીયો જાહેર કરતા જ આશાસ્પદ યુવાનોમાં પરીક્ષાને લઈ અનેક સવાલો ઉઠવા લાગ્યા છે.

બિન સચિવાલય કલાર્કની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પોતાની સાથે અહિત થઈ રહયું હોવાની લાગણી અનુભવી રહયા છે જેના પગલે આજે ગાંધીનગરમાં ઉગ્ર દેખાવો કરવાનો કોલ આપવામાં આવ્યો હતો. આ નિર્ણય અનુસાર આજે સવારથી જ રાજયભરમાંથી વિદ્યાર્થીઓ ગાંધીનગર તરફ જઈ રહયા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સુરતથી વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા આ ઉપરાંત એસ.ટી. સ્ટેન્ડ ઉપર પણ વિદ્યાર્થીઓનો ભારે જમાવડો જાવા મળતો હતો.

વ્યાપક ગેરરીતિઓના કારણે આ પરીક્ષા રદ કરવાની માંગણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે બીજીબાજુ ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા આવી ગેરરીતિઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ છે અને ગેરરીતિ આચરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. પરંતુ પરીક્ષા રદ કરવામાં નહી આવે તેવા નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે.

બીજી બાજુ હવે આ સમગ્ર મુદ્દો રાજકીય બની ગયો છે કોંગ્રેસે ગેરરીતિના વીડિયો જાહેર કર્યા હતાં અને ટુંક સમયમાં બીજા વિડીયો પણ જાહેર કરવામાં આવશે તેવી વાતો કરતા હવે વિદ્યાર્થીઓ આક્રમક બની ગયા છે અને આજે ગાંધીનગરમાં રાજય વ્યાપી રજુઆત તથા દેખાવો કરવાનો કાર્યક્રમ અપાતા સમગ્ર ગાંધીનગર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને ગાંધીનગરમાં પ્રવેશતા તમામ માર્ગો પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તમામ વાહનોનું ચેકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિઓના કારણે પરીક્ષા રદ કરવાની તથા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે આજે સવારથી જ રાજયભરમાંથી વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચવા લાગ્યા છે. બીજીબાજુ સમગ્ર ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દઈ પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને સવારથી જ ગાંધીનગર તરફ આવતા રસ્તા પરથી વિદ્યાર્થીઓની અટકાયતનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. લખાય છે ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ગાંધીનગર જતા અટકાવી તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.