સરકારી મેડીકલ કોલેજોમાં ૨૫ ટકાથી વધુ જગ્યા ખાલી
અમદાવાદ: તાજેતરમાં મળેલા ગુજરાત વિધાનાસભાના ત્રિદિવસીય શિયાળુ સત્ર દરમ્યાન રાજ્યની સરકારી મેડિકલ કોલેજોમાં વર્ગ-૧થી વર્ગ-૪ની ખાલી પડેલી જગ્યા અંગે ખુલાસો થયો છે. રાજ્ય સરકાર તરફથી વિધાનસભામાં રાજ્યની ૬ સરકારી મેડીકલ કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓ અંગે માહિતી આપતા જણાવાયું હતું કે, રાજ્યની સરકારી મેડીકલ કોલેજોમાં કુલ ૪,૩૨૪ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. જેમાંથી ૧,૧૨૬ જગ્યાઓ ખાલી છે અને ૨૩૦ જગ્યાઓ ફિક્સ પગારથી ભરેલી છે. જેમાં વર્ગ-૧ની ૧,૫૫૪ જગ્યા છે અને તેમા પણ ૪૭૯ જગ્યા ખાલી છે.
વિધાનસભા ગૃહમાં રજૂ થયેલી વિગતો મુજબ, રાજ્યની ૬ મેડીકલ કોલેજોમાં મંજૂર થયેલી અને ખાલી પડેલી જગ્યાઓ અંગે વાત કરીએ તો અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં ૮૨૦ જગ્યા મંજૂર થઈ છે.
જેમાંથી ૧૨૧ જગ્યા ખાલી છે, જ્યારે ફિક્સ પગારથી ૬૫ જગ્યા ભરેલી છે. તેમજ વડોદરા મેડીકલ કોલેજમાં ૭૮૪ જગ્યા મંજૂર થયેલી છે, જેમાંથી ૨૧૪ જગ્યા ખાલી છે અને ૪૩ જગ્યા તો ફિક્સ પગારથી ભરેલી છે.
જ્યારે સુરત મેડીકલ કોલેજમાં ૭૦૫ જગ્યાઓ મંજૂર થઈ છે અને જેમાં ૧૯૪ જગ્યા ખાલી છે અને ૩૮ જગ્યા ફિક્સ પગારથી ભરવામાં આવી છે. રાજકોટની પી.ડી.યુ. મેડીકલ કોલેજ ૬૯૧ જગ્યાઓ મંજૂર થઈ છે, જેમાંથી ૨૧૮ ખાલી છે, જ્યારે ૪૪ ફિક્સ પગારથી ભરવામાં આવી છે. ભાવનગર સરકારી મેડીકલ કોલેજમાં ૬૩૧ જગ્યાઓ મંજૂર થઈ છે,જેમાંથી ૧૭૨ જગ્યા ખાલી છે અને ૨૭ જગ્યા ફિક્સ પગારથી ભરેલી છે. જ્યારે જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં ૬૯૩ જગ્યાઓ મંજૂર થયેલી છે અને ૨૦૭ જગ્યા ખાલી છે અને ૧૩ જગ્યા ફિક્સ પગારથી ભરેલી છે.