Western Times News

Gujarati News

સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ

Files Photo

અમદાવાદ: ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં આજે પણ વરસાદી માહોલ રહ્યો હતો. હવામાનમાં આવેલા પલટા વચ્ચે દેશના અન્ય ભાગોની જેમ જ રાજ્યના વિવિધ ભાગોમાં પણ વરસાદી માહોલ રહેલો છે. ભર શિયાળે કમોસમી વરસાદથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. સોમનાથથી પોરબંદર દરિયાપટ્ટી, અમરેલી, રાજુલા, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. લઘુત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ  વચ્ચે વરસાદી માહોલ હાલમાં જામેલો છે.

અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેને પગલે આજે પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કરા સાથેનો વરસાદ નોંધાયો હતો. તો ભરશિયાળે વરસાદ નોંધાતા આ પંથકોમાં ઠંડીનો પારો પણ ગગડયો હતો. આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ગડુ પંથકમાં વરસાદના સામાન્ય ઝાપટા પડ્‌યા હતા.


કમોસમી માવઠાના હિસાબે શિયાળુ પાકમાં નુકસાનીની ગંભીર પરિસ્થિતિ  સર્જાઇ છે. કમોસમી વરસાદને લઇ ખેડૂતોના ઘઉં, ચણા, મકાઇ, બાજરી ધાણા તથા જીરૂ સહિતના ઉભા પાકમાં ગંભીર નુકસાન થયું છે. વેરાવળ પંથકમાં કાજલી નજીક માર્કેટયાર્ડમાં બે હજારથી વધુ ગુણો પલળી જતાં ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

આજે વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સોમનાથ વેરાવળમાં સવારે સાત વાગ્યે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તો, સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. વેરાવળમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી હતી. વેરાવળના કાજલી નજીક આવેલી એપીએમસીમાં ખુલ્લામાં પડેલી અને તાડપત્રીમાં ઢાંકેલી આશરે ૨,૦૦૦ બોરી મગફળી પલળી જતા ખેડૂતો અને વેપારીઓને મોટુ નુકસાન સહન કરવાનો વારો છે.

વરસાદ પડતાની સાથે જ યાર્ડમાં ઠેર ઠેર મગફળી તરવા લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, માર્કેટિંગ યાર્ડમાં તાડપત્રી હતી તેમ છતાં વ્યવસ્થાના અભાવે ખેડૂતો અને વેપારીઓને મગફળી પલળી જતા આ નુકસાની કોણ ભરપાઈ કરશે તેવા સવાલો સર્જાયા હતા. બીજીબાજુ, રાજ્યનાં કચ્છ અને ઉત્તર ગુજરાતના પંથકોમાં પણ કરા સાથે ધોધમાર વરસાદ પડ્‌યો હતો. આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. અમદાવાદમાં પણ ધુમ્મસ છવાયું હતું.

ધુમ્મસના પગલે ડીસા અને હિંમતનગર પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે તેમજ ઉત્તર ગુજરાતના અન્ય સ્ટેટ હાઈવે પર વાહન ચલાવવા મુશ્કેલીઓ પડી હતી અને વાહનોની લાઈટ ચાલુ રાખવા ફરજ પડી હતી. રાજસ્થાનમાં હવાનું હળવું દબાણ સર્જાતાં ગઇકાલે ઉત્તર ગુજરાતમાં કરા અને વાવાઝોડા સાથે કમોસમી માવઠું પડતાં ખેડૂતોની મુશ્કેલી વધી હતી. દિયોદરમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ પડ્‌યો હતો. બનાસકાંઠાના અંબાજી, અમીરગઢ, પાલનપુર, થરા, ધાનેરા, થરાદ, દાંતીવાડા, ડીસા, ભીલડીમાં પણ વરસાદ ખાબક્યો હતો. પાટણ જિલ્લામાં સિદ્ધપુર, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુરમાં પણ માવઠું પડતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા.

મહેસાણા જિલ્લામાં બહુચરાજી પંથકમાં કરા સાથે વરસાદ પડ્‌યો હતો. જોટાણા, કડી અને મહેસાણામાં વરસાદ પડ્‌યો હતો. તો, સાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, વડાલી, ઇડર, સાપાવાડા, પ્રાંતિજ, તલોદ અને હિંમતનગરમાં પણ છાંટા પડ્‌યા હતા. તો, પશ્ચિમ કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં માવઠું થયા બાદ ગઇકાલે માંડવી અને ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. બીજી બાજુ અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. નલિયામાં ૧૪.૨ ડિગ્રી અને અમદાવાદમાં ૧૬.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.