અંકલેશ્વરની આમલાખાડીની પ્રી-મોન્સુનની કામગીરીમાં સમય અને નાણાં વેડફાયા?
બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ખાડીમાં અડચણ રૂપ પાઈપો નાંખી બનાવેલ નાળાને દુર કરવાની માંગ
(પ્રતિનિધિ દ્વારા -વિરલ રાણા) ભરૂચ, અંકલેશ્વર તાલુકા અને અંકલેશ્વર શહેર હદ વિસ્તાર પાસેથી પસાર થતી આમલાખાડીમાં હાલ પ્રી-મોન્સુનની કામગીરીની શરુઆત થઈ છે.જે માર્ચ-એપ્રિલ માસમાં થવી જોઈએ જે ઘણી મોડેથી જુન મહિનામાં થઈ રહી છે. વરસાદની સંભાવનાઓ અને આગાહીઓ થઈ રહી છે એટલે આ કામગીરીમાં ઘણું મોડું થયું છે. સાથે સાથે જે કામગીરી થઈ રહી છે એ પરિણામલક્ષી નથી
કારણ કે નાના હિટાચી ફોકલેન્ડ મશીનથી કામગીરી થઈ રહી છે.જે ઊંડી અને પહોળી આમલાખાડી માટે નિરર્થક છે. જરૂરિયાત વધુ અને ઝડપી પાણીનો પ્રવાહ વહી જાય એવી કામગીરી કરવાની જરૂર છે.જયારે આ નાનું મશીન ખાડીએ કામગીરી કરવામાં અસમર્થ છે તે ફક્ત ઉપર ઉપર જ કામગીરી કરી રહ્યું છે.જે ફક્ત ઉપલી પાળાને સુશોભિત કરવામાં જ સમય પસાર કરી રહ્યો છે.
ખાડીની વચ્ચે અને નાળાઓની મધ્યમાં જે અવરોધ રૂપ માટી અને કચરો છે તે દુર થતા નથી.જેથી પાણીનું રોકાણ થશે અને અંકલેશ્વર શહેર અને તાલુકામાં આમલાખાડીના પાણી ઓવરફલો થશે જેનાથી પ્રજાને આવનાર સમયમાં નુકશાન અને હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે..
કડકિયા કોલેજ પાસે પસાર થતી ખાડીમાં બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ખાડીમાં અડચણરૂપ ગેરકાયદેસર પાઈપો નાંખી બનાવેલ નાળાને દુર કરવામાં આવ્યું નથી જેથી પાણીનું વહન રોકાશે અને પીરામણ ગામ અને અંકલેશ્વર શહેરમાં ખાડી ઓવરફલો થવાથી પુર આવવાની શક્યતા રહેલી છે.
ત્યારે સરકારી નાણાંનો અને કિંમતી સમયનો દુરુપયોગ થઈ રહ્યો છે.મોડે મોડે શરૂઆત થયેલ છે અને કામગીરી ધીમી ગતિની કાર્યવાહીથી આમલાખાડીની પૂર્ણ સફાઈ થશે કે કેમ? અને આમલાખાડીના છેડા સુધી આ કામગીરી થવી જોઈએ અને થશે તો આ ક્યારે અને કેવી થશે એવી અનેક આશંકાઓની ચર્ચા થઈ રહી છે.
આ બાબતે સ્થાનિક સામાજીક સંગઠન પ્રકૃતિ સુરક્ષા મંડળ તરફથી ભરૂચ કલેકટર,નાયબ કલેકટર અને નોટિફાઈડ વિભાગના મુખ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં (૧) આ કામગીરીની ત્રાહિત પક્ષ (થર્ડ પાર્ટી) દ્વારા તપાસ કરાવવામાં આવે
(૨) સમય ઓછો હોવાથી બાકી રહેલ કામગીરી યોગ્ય મશીનો દ્વારા વેહલી તકે પૂર્ણ કરવામાં આવે (૩) કડકિયા કોલેજ પાસે પસાર થતી ખાડીમાં બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ખાડીમાં અડચણરૂપ ગેરકાયદેસરના પાઈપો નાંખી બનાવેલ નાળાને તાત્કાલિક દુર કરવામાં આવે જેવા મુદ્દાઓ ઉપર રજૂઆત કરવામાં આવી છે.