અઠવા અને સેન્ટ્રલ ઝોનના કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં મનપા કમિશનરનો રાઉન્ડ
સક્રિય ટિમો સાથે મિટિંગ કરી કન્ટેન્ટમેન્ટ ઝોનની ગાઈડલાઇનનું સખત પાલન કરાવવા આદેશ
સુરત, શહેરમાં વધતા કેસોને કાબુમાં લેવા મનપા કમિશનર અને શાસકો મેદાને ઉતર્યા છે. હાલમાં સુરત શહેરમાં આવતા કેસોમાં અઠવા ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં કેસોનું પ્રમાણ વધ્યું છે. મનપા કમિશનર આજે પણ સેન્ટ્રલ ઝોન અને અઠવા ઝોનમાં રાઉન્ડ પર નીકળ્યા હતા.
કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ફરીને તેઓએ ત્યાંથી પરિસ્થિતિનો તાગ મેળવવાની કોશિશ કરી હતી. આ ઉપરાંત તેઓએ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં સક્રિય મનપાની ટિમો સાથે મિટિંગ કરી હતી. જેમાં તેઓએ તમામ અધિકારી અને કર્મચારીઓને કન્ટેન્ટમેન્ટ ઝોનની ગાઈડલાઇનનું સખત પાલન કરાવવા આદેશ આપ્યા છે.
મનપા કમિશનર બંછાનિધિ પાની આને શહેરના અઠવા ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં રાઉન્ડ પર નીકળ્યા હતા. હાલમાં ગુજરાતમાં સૌથી વધુ કેસો સુરતમાં આવી રહ્યા છે. અઠવા ઝોન અને સેન્ટ્રલ ઝોનને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં જે પણ વિસ્તારમાં ત્રણથી વધુ કેસો આવે તે વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે અને સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આજે સવારે બંછાનિધિ પાની ટિમ સાથે નાનપુરા ગયા હતા.
ત્યાંથી તેઓ સગરામપુરા, કૈલાશનગર ગયા હતા. નાનપુરામાં કદમપલ્લી સોસાયટીમાં આવેલ પાશ્વનગર કોમ્પ્લેક્ષમાં ૭ કેસ મળી આવતા આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં જાહેર કરવામાં આવ્યો છે અને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકેની ગાઇડલાઇન પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે.
બંછાનિધિ પાનીએ આ તમામ વિસ્તારમાં ફરી અહીં સક્રિય ટિમો સાથે મિટિંગ કરી હતી. મિટિંગમાં તેઓએ અધિકારીઓ અને કર્મચારીઓને આદેશ કર્યો હતો કે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતી ગાઇડલાઇન પ્રમાણે સઘન કામગીરી કરવાની સાથે સાથે પૂરતી તકેદારી પણ રાખવામાં આવે. જો કોઈ ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરે તો તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવે તે પણ જણાવી દેવામાં આવ્યું હતું.