અભિનેત્રી તમન્ના ભાટિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
મુંબઈ: સાઉથ ઈન્ડિયન સિનેમા અને બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ તમન્ના ભાટિયાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ, તમન્ના છેલ્લાં કેટલાંક દિવસોથી વેબ સિરીઝ માટે હૈદરાબાદમાં હતી. હાલમાં જ તમન્ના ભાટિયામાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળતા તેને વધુ ટ્રીટમેન્ટ માટે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તમન્ના ભાટિયા કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળતા તેના ફેન્સ તે જલદી સાજી થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. અહીં નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં તમન્ના ભાટિયાના માતા-પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પણ હવે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
તે દરમિયાન તમન્ના ભાટિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે મારા માતા-પિતામાં કોરોના વાયરસના હળવા લક્ષણ જોવા મળી રહ્યા હતા અને તેમનો ઘરે જ ટેસ્ટ કરવામાં આવ્યો. તેઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓને કોરોના સંબંધિત દિશા-નિર્દેશનું પાલન કરાવવાનું જણાવવામાં આવ્યું હતું. જો વર્કફ્રન્ટની વાત કરીએ તો તમન્ના ભાટિયા ફિલ્મ ‘બોલે ચૂડિયા’માં જોવા મળશે. આ ફિલ્મમાં એક્ટર નવાઝુદ્દિન સિદ્દિકી પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ‘બોલે ચૂડિયા’ના ડિરેક્ટર નવાઝુદ્દીન સિદ્દિકીના ભાઈ શમ્સ સિદ્દીકી છે.
આ સિવાય તમન્ના ભાટિયા અન્ય બે તેલુગુ ફિલ્મ ‘સીટીમાર’ અને ‘ધેટ ઈઝ મહાલક્ષ્મી’માં જોવા મળશે. બોલિવૂડમાં અત્યાર સુધીમાં ઘણાં સેલેબ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે. જેમાં અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર સિવાય મલાઈકા અરોરા, અર્જુન કપૂર, આફતાબ શિવદાસાની, જેનેલિયા ડિસોઝા અને કિરણ કુમાર સહિતના સેલેબ્સનો સમાવેશ થાય છે.