અભિનેત્રી પૂજા બેનર્જીએ દિકરાને જન્મ આપ્યો
મુંબઈ: એક્ટર-કપલ પૂજા બેનર્જી અને કુણાલ વર્મા મમ્મી-પપ્પા બની ગયા છે. એક્ટ્રેસે થોડા કલાકો પહેલા જ દીકરાને જન્મ આપ્યો છે.
આ વિશે વાતચીત કરતાં કુણાલે જણાવ્યું હતું કે, પૂજા અને હું ગર્વ અનુભવી રહ્યા છે. ગુડન્યૂઝ શેર કરતાં મને ખુશી થઈ રહી છે કે આજે અમે દીકરાના માતા-પિતા બની ગયા છીએ.
પૂજાએ જ્યારે દીકરાને જન્મ આપ્યો ત્યારે હું તેની સાથે ઓપરેશન થિયેટરમાં હતો. પૂજા અને બાળક બંને હેલ્ધી છે અને આશીર્વાદ માટે હું ભગવાનનો આભારી છું.
જગ જનની મા વૈષ્ણોદેવીમાં લીડ રોલ પ્લે કરી ચૂકેલી પૂજા બેનર્જીએ કેટલાક અંગત કારણોસર મે મહિનામાં સીરિયલ છોડી દીધી હતી.
ઓગસ્ટમાં વાતચીત કરતાં એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે, તેણે પ્રેગ્નેન્સીના કારણે શો છોડી દીધો હતો. તેણે કહ્યું હતું કે, ‘હું પ્રેગ્નેન્સી દરમિયાન પણ કામ કરવા ઈચ્છતી હતી. પરંતુ મહામારીના કારણે મને લાગ્યું કે હાલના સમયમાં ઘરે રહેવું અને સાવચેતીના પગલા લેવા તે વધારે મહત્વનું છે.
હું આવતા વર્ષે કામ પર પરત ફરીશ અને ત્યાં સુધીમાં મહામારીનો અંત આવી જશે તેવી આશા છે. આ વર્ષની શરુઆતમાં પૂજા અને કુણાલે રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા.
એક્ટ્રેસે અગાઉના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમે એક દશકાથી રિલેશનશિપમાં છીએ, પરંતુ લગ્ન બાદ તે અલગ વ્યક્તિ બની ગયો છે. તે ખૂબ સપોર્ટિવ અને પ્રેમાળ છે. તે બોયફ્રેન્ડ હતો તેના કરતાં અત્યારે મારું વધારે ધ્યાન રાખી રહ્યો છે.
બાળકનો જન્મ થઈ ગયો છે ત્યારે હવે પૂજાએ પતિ સાથે પારંપરિક રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. પૂજાએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘લગ્નને લઈને અમારા ઘણા સપના હતા અને અમે પ્લાનિંગ કરીને પણ રાખ્યું હતું.
પરંતુ મહામારીએ બધું બદલી નાખ્યું. કોલકાતામાં રહેતી મારી મમ્મી પણ અમારા રજિસ્ટર્ડ વેડિંગમાં આવી શકી નહીં. બાળક આવ્યા બાદ હું બધી સેરેમની સાથે કુણાલ સાથે સાત ફેરા લેવા માગું છું. આશા છે કે, આ વખતે મારી મમ્મી આવી શકશે.