અભિનેત્રી મલાઈકા અરોરાએ કોરોના વાયરસને હરાવ્યો
મુંબઈ: ૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એ વખતે મલાઈકાએ જણાવ્યું હતું કે તે અસિમ્પ્ટોમેટિક છે અને હોમ ક્વોરન્ટીન થઈ છે. જો કે, હવે મલાઈકાએ પોતાની તસવીર શેર કરીને જણાવ્યું છે કે, તે બે અઠવાડિયા બાદ રૂમની બહાર નીકળી છે. સાથે જ કોરોનાથી સ્વસ્થ થઈ હોવાની જાણકારી આપી છે. મલાઈકાએ નાઈટસૂટ પહેરેલી તસવીર શેર કરી છે. મલાઈકાએ લખ્યું, આખરે ઘણાં દિવસો પછી મારા રૂમની બહાર પગ મૂક્યો,
એવું લાગે છે જાણે ફરવા આવી હોઉં. ઓછામાં ઓછી પીડા અને તકલીફ સાથે આ વાયરસમાંથી બહાર આવવા બદલ મારી જાતને ભાગ્યશાળી માનું છું. મેડિકલ માર્ગદર્શન માટે મારા ડૉક્ટરોનો આભાર. આ પ્રક્રિયા સરળ બનાવવા માટે બીએમસી, અપાર સહકાર માટે મારા પરિવાર, મારા મિત્રો, પાડોશીઓ અને ફેન્સનો શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર. આ મુશ્કેલ સમયમાં તમે સૌએ મારા માટે જે કંઈપણ કર્યું છે તેનો આભાર માનવા શબ્દો પણ ઓછા પડે છે.
તમે બધા જ સુરક્ષિત રહેજો અને ધ્યાન રાખજો. અગાઉ મલાઈકાએ એક ઈન્ટરવ્યૂમાં કોરોનાની સારવાર દરમિયાન તેનો સૌથી મોટો પડકાર શું હતો તે વિશે વાત કરી હતી. મલાઈકાએ કહ્યું હતું, સૌથી મોટો પડકાર હતો કે હું મારા દીકરાને નહોતી મળી શકતી. અમે બંને બાલકનીમાં ઊભા રહીને વાત કરતા હતા.
આ પહેલા મલાઈકાએ એક તસવીર પણ શેર કરી હતી જેમાં તેનો દીકરો અરહાન અને ડોગ કાસ્પર દૂરથી ઊભા રહીને મલાઈકા સાથે વાત કરતા હતા. આ તસવીર શેર કરીને મલાઈકાએ જણાવ્યું હતું કે, હોમ ક્વોરન્ટીન દરમિયાન અરહાન અને કાસ્પરને ના ભેટી શકવાનું દુઃખ છે. હવે મલાઈકા આ વાયરસને હરાવી ચૂકી છે ત્યારે પોતાના ડેઈલી રૂટિન તરફ વળી રહી છે.
મલાઈકાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી ફેન્સને પોતાના રૂટિનની જાણકારી આપી હતી. એક સ્ટોરીમાં મલાઈકાએ મીઠાવાળા પાણીનો ગ્લાસ બતાવ્યો હતો. જેનાથી તે કોગળા કરવાની હતી. જણાવી દઈએ કે, બે અઠવાડિયા પહેલા અર્જુન કપૂરે પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. તેના બીજા દિવસે મલાઈકાએ કોરોનાથી સંક્રિમત થઈ હોવાનું કહ્યું હતું.