અભિનેત્રી રવિના ટંડને સેટ પર કોરોનાનો ટેસ્ટ કરાવ્યો
મુંબઈ: કોરોના મહામારીના કારણે જાહેર થયેલા લોકડાઉનના નિયમો ધીમે-ધીમે હળવા કરાયા બાદ મનોરંજન ઈન્ડસ્ટ્રી ફરી ધમધમતી થઈ છે. ટીવી સીરિયલો બાદ ફિલ્મોના શૂટિંગ પણ શરૂ થઈ ગયા છે. મહામારી દરમિયાન એક્ટ્રેસ રવિના ટંડન પણ શૂટિંગ માટે ઘરની બહાર નીકળી છે. રવિનાએ જણાવ્યું છે કે, આશરે ૮ મહિના પછી તે સેટ પર પરત ફરી છે. જો કે, શૂટિંગ શરૂ કરતાં પહેલા રવિનાએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રવિનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વિડીયો શેર કર્યો છે, જેમાં હેલ્થ વર્કર તેનો ટેસ્ટ કરતા જોવા મળે છે. તેઓ ગળા અને નાકમાંથી સ્વૉબ લઈને રવિનાનો ટેસ્ટ કરી રહ્યા છે. રવિનાએ કોરોના ટેસ્ટનો વિડીયો શેર કરતાં લખ્યું,
સુંદર ડેલહાઉસીમાં છું! હવે તો કોરોના ટેસ્ટ કરાવવામાં ફાવટ આવી ગઈ છે. મોં બંધ થઈ જવું કે ખંજવાળ આવતા છીંક આવવા જેવી સમસ્યા થતી નથી. બધું જ બરાબર છે. ૮ મહિના પછી વર્ક લોકેશન પર પરત આવી છું. નવો પ્રોજેક્ટ છે! છેલ્લે કેજીએફ ચેપ્ટર ૨ માટે ફેબ્રુઆરી મહિનામાં મૈસૂર/હૈદરાબાદમાં શૂટિંગ કર્યું હતું. ઉત્સાહિત છું. તમારા આશીર્વાદ અને પ્રેમ આપજો. જણાવી દઈએ કે, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફઃ ચેપ્ટર ૨માં રવિના ટંડન પણ છે. ફિલ્મમાં રવિના પ્રધાનમંત્રી રમણિકા સેનના પાત્રમાં જોવા મળશે. પોતાના રોલ વિશે વાત કરતાં રવિનાએ બીટીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, આ પેન-ઈન્ડિયાની ફિલ્મ વધારે છે
કારણકે તે દરેક ભાષામાં રિલીઝ થઈ રહી છે. હું આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહિત હતી કારણકે આ પાત્ર જેવો રોલ મેં અગાઉ ફિલ્મોમાં ક્યારેય નથી કર્યો. આ રોલ કરવો મુશ્કેલ કહી શકાય કારણકે પાત્રને ચોક્કસ રીતે વિલન ના ગણી શકાય કારણકે તે પોઝિટિવ રોલ છે. હું આ ફિલ્મમાં પ્રધાનમંત્રીનો રોલ કરી રહી છું. લોકો કહી રહ્યા છે કે, આ ઈન્દિરા ગાંધીથી પ્રેરિત છે પરંતુ એવું નથી. આ ફિલ્મમાં ૭૦-૮૦ના દાયકાની વાત છે માટે જ લોકો એવું માની રહ્યા છે કે રોલ ઈન્દિરા ગાંધીથી પ્રેરિત હશે. પણ શું ખબર હું શેખ હસીના પણ હોઈ શકું છું. ઉલ્લેખનીય છે કે ફિલ્મ કેજીએફ હિન્દી ફિલ્મના દર્શકોને પણ ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં સંજય દત્ત પણ છે.