અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા પર કરોડોની ઠગાઈનો આરોપ

મુંબઇ: ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા કરોડો રૂપિયાની ઠગાઈના કેસમાં ફસાઈ રહ્યા છે. શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીએ આયોસિસ સ્લિમિંગ સ્કિન સૈલૂન અને સ્પા નામની કંપની ખોલી હતી.
રાજધાનીમાં તેની શાખા ખોલાવવાના નામે કંપનીના જવાબદાર અધિકારીઓએ અનેક લોકોનો સંપર્ક કર્યો હતો. લોકો પાસેથી સેન્ટર આપવાના નામે કરોડો રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.
ઓમેક્સ હાઈટ્સ નિવાસી જ્યોત્સના ચૌહાણ અને રોહિત વીર સિંહે અલગ અલગ કેસમાં ઠગાઈનો કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં શિલ્પા અને તેની માતા સુનંદાની ભૂમિકા પણ સામે આવી રહી છે. હજરતગંજ પોલીસે એક મહિના પહેલા આ કેસમાં નોટિસ પાઠવી હતી
જ્યારે વિભૂતિખંડ પોલીસની ટીમ પણ નોટિસ પાઠવવા પહોંચી રહી છે. આ તરફ ડીસીપી પૂર્વીની એક વિશેષ ટીમ અલગથી તપાસ માટે મુંબઈ પહોંચી ગઈ છે. આ કેસમાં બંનેની ભૂમિકા સ્પષ્ટ થયા બાદ તેમની ધરપકડ પણ થઈ શકે છે.
જ્યોત્સના ચૌહાણના કહેવા પ્રમાણે વેલનેસ સેન્ટર ખોલવાના નામે આયોસિસ કંપનીના એજન્ટ્સે તેમના પાસેથી ૨ વખતમાં ૨.૫ કરોડ જેટલા રૂપિયા વસૂલ્યા હતા. કંપનીના લોકોએ સેન્ટર ખોલવા માટે સામાન મોકલ્યો હતો અને તેના બદલામાં રૂપિયા વસૂલ્યા હતા.
તેના માટે અનેક બોગસ દસ્તાવેજાેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સેન્ટરના ઉદ્ઘાટનમાં સેલિબ્રિટી આવશે તેમ કહેવામાં આવ્યું હતું પરંતુ ઉદ્ઘાટનના થોડા સમય પહેલા જ તેઓ વચનમાંથી ફરી ગયા હતા. અગાઉ પાઠવવામાં આવેલી નોટિસમાં બંને સેલિબ્રિટીએ નિવેદન ન નોંધાવ્યું હોવાથી હજરતગંજ પોલીસ પણ નિવેદન નોંધવા મુંબઈ જઈ શકે છે.