અમદાવાદના ૯૩૧ સંવેદનશીલ બૂથ પર પોલીસ ટીમ સ્ટેન્ડબાય
(એજન્સી)અમદાવાદ, ગુજરાત લોકસભાની સુરત સિવાયની રપ બેઠક તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટેની પાંચ બેઠક પર આવતીકાલે મતદાન છે ત્યારે ગઈકાલે સાંજથી રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા અંગેની તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપવાનું પણ શરૂ કરી દીધું છે.
મતદારો કોઈપણ પ્રકારના ડર અને પ્રલોભન વગર પારદર્શી રીતે પોતાનો મત આપે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેમાટે પોલીસ પણ ખડેપગે તહેનાત છે. આજે રાતે સ્ટ્રોંગરૂમ પાસે પણ પોલીસ તેમજ સુરક્ષાદળના જવાનોનો બંદોબસ્ત કરાશે. ચૂંટણીમાં કોઈ ગેરરીતિ ના થાય તે માટે પોલીસે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. શહેરમાં કુલ ૧૧૬૮ બિલ્ડીંગ પરિસરમાં કુલ ૪૧૩ર મતદાન બૂથ છે. Police team standby at 931 sensitive booths in Ahmedabad
જેમાંથી ૯૩૧ સંવેદનશીલ બૂથ અને ૩ર૦૧ બૂથ નોર્મલ છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ તેમજ ગાંધીનગરની બેઠક માટે ખાસ પોલીસે બંદોબસ્ત કરી દીધો છે. શહેરમાં પ૭ ફલાઈંગ સર્વેલન્સની ટીમ તેમજ ૮૬ સ્ટેટિસ્ટિકલ સર્વેલન્સ ટીમ કામ કરી રહી છે. અમદાવાદમાં વિવિધ ૬૮ પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે. પોલીસની સાથે આઈટીબીપી, બીએસએફ, સીઆઈએસએફ તેમજ બીજા રાજ્યની પોલીસ અને સીઆરપીએફ પણ તહેનાત છે.
રાજ્યમાં પ૦૭૮૭ મતદાન મથક છે જેમાં ૧૩૬૦૦ મતદાન મથક સંવેદનશીલ છે. આ વખતે સંવેદનશીલ મતદાન મથકોમાં ૪પ૦ મતદાન મથકનો વધારો થયો છે. ક્રિટીકલ મતદાન મથકો માટે ૧૦ જેટલી એસઆરપી કંપનીનો ઉપયોગ કરવાનું ચૂંટણીપંચ દ્વારા નક્કી કર્યું છે. જ્યારે ૧.ર૦ લાખ પોલીસકર્મી મતદાનના દિવસે ખડેપગે રહેશે.
લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ-કર્મચારીઓ આવરી લઈ અંદાજે ૪,પ૦,૦૦૦નો સ્ટાફ ફરજ બજાવશે. જેમાં પપ૮૦૦થી વધુ પ્રિસાઈડીંગ ઓફિસર્સ, ૧.૬૭ લાખથી વધુ પોલિંગ ઓફિસર્સ, ૬૩૦૦થી વધુ સેકટર ઓફિસર અને પર૦૦થી વધુ માઈક્રો ઓબ્ઝર્વર્સ સહિતના અધિકારીઓ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
તેમજ ૧,ર૦,૦૦૦ પોલીસ ખડેપગે રહેશે. આજ રાતથી પોલીસ ખડેપગે તેનાત રહેશે અને ખાસ કરીને અમદાવાદના ૯૩૧ બૂથ જે સંવેદનશીલ છે તેમાં પોલીસ સાથે એસઆરપીની ટીમ પણ સુરક્ષામાં છે. પોલીસ કર્મચારીઓ બોડીવોર્ન કેમેરા સાથે બંદોબસ્ત કરશે. જો કોઈ બૂથ ઉપર માથાકૂટ કરશે અથવા તો મતદારોને ધમકાવવાની કોશિશ કરશે તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ચૂંટણીના પગલે પોલીસે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે અને કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે મક્કમ છે. અમદાવાદ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ સહિતની ટીમ ગુનાહિત કૃત્યને અંજામ આપનાર તત્ત્વ વિરૂદ્ધમાં પણ લાલ આંખ કરી રહ્યા છે.