અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યાઃ ચોરીના વધ્યા બનાવો
સોલા, ઘાટલોડિયા અને ખાડિયામાં ઘરફોડ ચોરીના બનાવો |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં પોલીસના નાઈટ પેટ્રોલીંગના દાવા વચ્ચે ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે શહેરમાં સોલા હાઈકોર્ટ, ઘાટલોડિયા અને ખાડિયા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની ફરિયાદો નોંધાઈ છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના સોલા વિસ્તારમાં સાયન્સ સીટી રોડ પર રામાપીરના મંદિરની પાછળ પંચામૃત બંગ્લોઝ વિભાગ-ર માં રહેતા વિશ્વજીત રાવલે ફરિયાદ નોંધાવી છે કે તા.૧રમીએ રાત્રિના સમયે મકાનની કાચની બારી ખોલી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી ત્રણ એ.સી, ગેસની સગડી સહિત કુલ રૂ.૧.૬૬ લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા છે.
ત્રણ એ.સી ની ચોરીની ઘટનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે કારણ કે આટલી મોટી વસ્તુઓ લઈ જવા માટે એકથી વધુ વ્યક્તિઅોની જરૂર પડતી હોય છે જેના પરિણામે આ કોઈ ગેંગનું કામ હોય તેવુ મનાઈ રહયું છે પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.
ચોરીની બીજી ઘટના ઘાટલોડિયા વિસ્તારમાં બની છે ઘાટલોડિયા નિર્ણયનગર ગરનાળા પાસે આવેલી નાયકનગર સોસાયટીમાં રહેતા ડો. ગૌતમભાઈ નાયક પરિવાર સાથે બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂ.૯પ હજારની મત્તાની ચોરી કરી છે. ડોકટરના ઘરમાં ચોરી થવાની ઘટનાથી પોલીસ અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી છે.
ઘાટલોડિયા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. શહેરના આનંદનગર શ્યામલ રોડ પર આવેલા કૌટલ્ય એપાર્ટમેન્ટમાં રહેતા મયુરભાઈ સોનીની ખાડિયામાં ધોબીની પોળ પાસે સોના-ચાંદીના દાગીનાની દુકાન આવેલી છે જેમાં બપોરના સમયે અજાણ્યા શખ્સોએ દુકાનનું તાળુ તોડી દુકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.૭૦ હજારની મત્તાની ચોરી કરી હોવાની ફરિયાદ ભાગ્યેશ ભાઈએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
અમદાવાદ શહેરમાં ચોરીની અન્ય એક ઘટના સરખેજ વિસ્તારમાં બની છે જેમાં કારના શો રૂમમાંથી કોઈ કર્મચારી જ સ્પેરપાર્ટસની ચોરી કરી ફરાર થઈ ગયો છે આ ઘટનાની હજી તપાસ ચાલુ છે ત્યાં જ શહેરના અન્ય વિસ્તારમાં પણ ચોરીની ઘટનાઓ વધતા ઉચ્ચ અધિકારીઓ સતર્ક બન્યા છે શહેરમાં નાઈટ પેટ્રોલીંગના દાવા વચ્ચે વધતી જતી ચોરીની ફરિયાદોથી આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ કરવા સ્થાનિક પોલીસોને આદેશ આપવામાં આવ્યો છે શહેરના સરદારનગર વિસ્તારમાં સમસ્ત સોસાયટીમાં ઘરફોડ ચોરીની ઘટના ઘટી છે
જેમાં બંધ મકાનના દરવાજાનું તાળુ તોડી તસ્કરો રૂ.૭પ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં આ અંગે સરદારનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.