અમદાવાદમાં IPLની પ્લેઓફ રમાડાય તેવી સંભાવના
આ વર્ષે આઈપીએલની ગ્રુપ સ્ટેજની મેચો મહારાષ્ટ્રમાં અને પ્લેઓફ અમદાવાદમાં રમાડાય તેવી સંભાવના ગુજરાતમાં જામશે -ટી૨૦ ક્રિકેટનો રોમાંચ
(એજન્સી) અમદાવાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન ભારતમાં રમાડવા માટે પ્રયાસ કરી રહ્યું છે. તેની લીગ મેચો મહારાષ્ટ્રમાં રમાઈ શકે છે. જ્યારે ગુજરાતમાં પ્લેઓફની મેચો રમાય તેવી શક્યતા છે.
સૂત્રો જણાવ્યું છે કે, હાલમાં બીસીસીઆઈ મહારાષ્ટ્રમાં લીગ મેચો અને અમદાવાદમાં પ્લેઓફ રમાડવા અંગે વિચારી રહ્યું છે. ગુરૂવારે તેના ઓફિસ બેરર્સની બેઠક બાદ બીસીસીઆઈ એ આ વર્ષે આઈપીએલ ભારતમાં રમાડવાનો ર્નિણય કર્યો હતો અને જાે મહારાષ્ટ્ર અને દેશમાં કોરોનાના કેસમાં મોટો ઊછાળો આવશે તો જ યુએઈમાં શિફ્ટ કરવામાં આવશે.
બીસીસીઆઈ એ તેનો પ્લાન-બી બનાવ્યો છે અને તે મુજબ સમગ્ર આઈપીએલ મહારાષ્ટ્રમાં રમાડવામાં આવી શકે છે. આઈપીએલ-૨૦૨૨ની તમામ લીગ મેચ મુંબઈના ત્રણ સ્ટેડિયમમાં રમાઈ શકે છે
જેમાં વાનખેડે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ અને નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પુણે નજીક આવેલા ગહુંજેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં પણ રમાડવામાં આવી શકે છે. જ્યારે ટુર્નામેન્ટની પ્લેઓફ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાડવામાં આવી શકે છે.
ક્રિકટે રસીયાઓ માટે સારા સમાચાર એ છે કે વિશ્વની આ લોકપ્રિય ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચો દરમિયાન સ્ટેડિયમ સંપૂર્ણ પણે ખાલી રહેશે નહીં. મહારાષ્ટ્રમાં લીગ સ્ટેજની મેચો દરમિયાન ૨૫ ટકા પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવી શકે છે. પરંતુ જાે મુંબઈ અને પુણેમાં કોરોનાના કેસોની સંખ્યા નિયંત્રણમાં રહેશે તો જ આ મંજૂરી આપવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટ સમયે કોરોનાના કેસની સંખ્યા વધારે નહીં હોય તો રાજય સરકાર આ વર્ષે આઈપીએલમાં ૨૫ ટકા પ્રેક્ષકોને મંજૂરી આપી શકે છે. નોંધનીય છે કે ગત વર્ષે વાનખેડેસમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં સ્ટેડિયમની ક્ષમતાના ૨૫ ટકા પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવી હતી અને આ જ રીતે આઈપીએલમાં પણ મંજૂરી આપવામાં આવી શકે છે.