અમદાવાદ જિલ્લા કલેકટરશ્રીના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતાપત્ર એનાયત કરાયા
અમદાવાદ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતાપત્ર એનાયત કરવામાં આવ્યા. આ અવસરે જીલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલેએ લાભાર્થીઓ સાથે ભાવપૂર્ણ સંવાદ સાંધ્યો અને તેમણે
લાભાર્થીઓને શિક્ષણ અને કારકિર્દી સંબધિત પ્રશ્નો પૂછ્યા હતા અને સાંત્વના આપી હતી.
આ અવસરે લાભાર્થી શ્રી સવામલએ કલેકટર શ્રીને નમન કરીને કહ્યું કે કલેકટર સાહેબ ! અમે ભારતમાં શાંતિનો મહેસુસ કરીએ છીએ. અહી ઉપસ્થિત રહેલા લાભાર્થીઓએ નાગરિકતા પત્ર આપવાની પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની અધિકારીઓએ દાખવેલી ત્વરા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અહીં મહત્વની બાબત એ છે નાગરિકતા અધિનિયમ પ્રમાણે ૭ વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે.
આ વેળાએ અધિક નિવાસી કલેકટર શ્રી પરિમલ પંડ્યા અને અગ્રણી શ્રી મેઘરાજભાઈ તેમજ રાજેશભાઈ મહેશ્વરી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા(હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.