અમિતાભના અભિપ્રાયે કપરા સમયમાં કોઈ પાસે રહેતું નથી
મુંબઈ: બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. તેઓ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કવિતા, પોતાના વિચારો, તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલા રહે છે. હાલમાં જ બિગ બીએ એક ટ્વીટ કર્યું છે,
જેમાં તેમણે જીવન સાથે જોડાયેલા કડવા સત્ય વિશે વાત કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, ‘જીવનનું કડવું સત્ય કપરા સમયમાં કોઈ તમારી પડખે રહેતું નથી અને સફળતા મળ્યા બાદ કોઈને આમંત્રણ આપવું પડતું નથી. સુપ્રભાત’. ફેન્સને બિગ બીનું આ ટ્વીટ ખૂબ પસંદ આવી રહ્યું હોવાની તેની લાઈક્સ પરથી લાગી રહ્યું છે. આ સિવાય અમિતાભ બચ્ચને વધુ એક ટ્વીટ કર્યું છે.
જેમાં તેમણે ઘમંડ અને સંસ્કાર વચ્ચેનો તફાવત સમજાવ્યો છે. તેમણે લખ્યું છે કે, ‘ઘમંડ અને સંસ્કારમાં ફર્ક છે. ઘમંડ અન્યને ઝૂકાવીને ખુશ થાય છે, જ્યારે સંસ્કાર પોતે ઝૂકીને ખુશ થાય છે. આપને જણાવી દઈએ કે, ૧૧ જુલાઈએ અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓ બીમાર પડી જતાં તેમના ફેન્સે તેઓ જલ્દીથી જલ્દી ઠીક થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. એક્ટરના વર્કફ્રંટની વાત કરીએ તો,
અમિતાભ બચ્ચન હાલ ‘કૌન બનેગા કરોડપતિ’ના શૂટિંગમાં બિઝી છે. કોરોનાની વચ્ચે તમામ બાબતોનું ધ્યાન રાખીને તેમણે શૂટિંગ શરૂ કરી દીધું છે. આ સિવાય તેઓ ટૂંક સમયમાં ફિલ્મ ઝૂંડ, ચેહરે અને બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે. ઝૂંડમાં તેઓ પહેલીવાર કોચનો રોલ પ્લે કરશે જ્યારે ચેહરેમાં તેઓ ઈમરાન હાશ્મી સાથે મોટા પડદા પર પહેલીવાર જોવા મળશે.