અમિતાભ બચ્ચનનો અવાજ હવે એલેક્સા પર પણ ગુંજશે
મુંબઈ: બોલિવુડ ફિલ્મો, ટીવી શો હોસ્ટિંગ, ડબિંગ અને કવિતા પઠન કર્યા બાદ હવે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કંઈક નવું કરવા જઈ રહ્યા છે. અમિતાભ બચ્ચન પહેલા ભારતીય બન્યા છે જેમનો અવાજ એમેઝોનના ડિજિટલ આસિસ્ટન્ટ સ્માર્ટ સ્પીકર એલેક્સામાં સાંભળવા મળશે. બિગ બીનો અવાજ ખાસ કરીને ભારતીય એલેક્સામાં સાંભળવા મળશે. આ ન્યૂઝ અમિતાભ બચ્ચને પોતાના ફેન્સ અને ફોલોઅર્સ સાથે શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા બિગ બીએ આ ન્યૂઝ શેર કરતાં લખ્યું, “એક નવો વિચાર એક નવી દ્રષ્ટિ એક નવી દિશા. એક અનોખા વોઈસ અનુભવ માટે અમેઝોન સાથે જોડાઈને સન્માનિત અનુભવું છું.
અમિતાભ બચ્ચને આ ન્યૂઝ શેર કરતાં હવે તેમના ફેન્સ એલેક્સા પર તેમનો અવાજ સાંભળવા માટે ઉત્સુક છે. રિપોર્ટ પ્રમાણે, અમિતાભ બચ્ચનના અવાજમાં તમને એલેક્સા પર શાયરી, મોટિવેશનલ ક્વોટ્સ, જોક્સ, હવામાનની જાણકારી અને બીજું ઘણું સાંભળવા મળશે. જો કે, આ માટે એમેઝોન એક્સટ્રા ચાર્જ લેશે. મતલબ કે તમારે બિગ બીનો અવાજ સાંભળવા માટે વધારાના રૂપિયા ચૂકવવા પડશે. એલેક્સા પર અમિતાભ બચ્ચનનો અવાજ તમને આવતા વર્ષથી સાંભળવા મળશે. એમેઝોનના જણાવ્યા અનુસાર, આ સર્વિસ કોઈપણ સરળતાથી શરૂ કરી શકે છે. તમારે માત્ર એટલું કહેવાનું રહેશે, એલેક્સા, સે હેલો ટુ મિસ્ટર અમિતાભ બચ્ચન. સેમ્યુઅલ એલ જેક્સન બાદ અમિતાભ બચ્ચન વિશ્વના બીજા સેલિબ્રિટી છે
જે એલેક્સા સાથે જોડાયા છે. જો કે, માનવામાં આવી રહ્યું છે કે, અમિતાભ બચ્ચનનો અવાજ માત્ર હિંદીમાં જ સંભળાશે. જો કે, હજી સુધી કન્ફર્મ નથી થઈ શક્યું કે, ઈંગ્લિશમાં પણ બિગ બીના અવાજની સર્વિસ ઉપલબ્ધ હશે કે કેમ. વર્કફ્રંટની વાત કરીએ તો કોરોનાને મ્હાત આપ્યા બાદ અમિતાભ બચ્ચન ફરીથી કામે વળગ્યા છે. અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ ૧૨’નું શૂટિંગ શરૂ કર્યું છે. તકેદારીના પૂરતા પગલા સાથે કેબીસીના સેટ પર શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મોની વાત કરીએ તો છેલ્લે અમિતાભ બચ્ચન આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ‘ગુલાબો સિતાબોમાં જોવા મળ્યા હતા.