આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની આગાહી
અમદાવાદ, લાંબા વિરામ બાદ રાજ્યના કેટલાક જિલ્લામાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. જેમાં અમદાવાદ, અમરેલી, જાફરાબાદ, રાજુલા, ભરૂચ, પંચમહાલ, ગોધરા, મહિસાગર, છોટાઉદેપુર સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો. જેના કારણે ગરમી અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલા લોકોને રાહત મળી હતી. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં બે દિવસ દરમિયાન ભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો હતો અને દિવસભર વાદળછાયુ વાતાવરણ સર્જાયેલું રહ્યું હતું. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. નોંધનીય છે કે, રાજ્યમાં હજુ ૪૮ ટકા વરસાદની ઘટ છે.
રાજ્યમાં વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે જ હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ પત્રકારોને જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળે હળવો વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ રહેશે. બનાસકાંઠા, મહેસાણા અને પાટણ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહિવત છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ૧૯ ઓગસ્ટથી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ધીરે ધીરે આ વરસાદનું વહન આગળ વધશે. ૨૧થી ૨૩ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જે બાદ ફરી ૨૫થી ૨૮ ઓગસ્ટમાં પણ વરસાદની શક્યતા રહેશે.
પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો તેમજ સમગ્ર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે, પરંતુ વરસાદ એકધારો નહીં પડે. કોઈ ભાગમાં પડશે તો કોઈ ભાગમાં નહીં પણ પડે. આ બધામાં મધ્ય ગુજરાતના ભાગોમાં તેમજ પૂર્વ મધ્ય ગુજરાતના પંચમહાલ ભાગમાં સારો વરસાદ પડશે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી ૧૭ ઓગસ્ટ સુધી અંતિત ૩૧૧.૮૨ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૪૦ મી.મીની સરખામણીએ ૩૭.૧૨ ટકા છે.SSS