Western Times News

Gujarati News

સ્નિફર ડોગે પોલીસને રેપના છ આરોપી સુધી પહોંચાડ્યા

વડોદરા, લગભગ એક મહિના પહેલા ૧૮ મહિનાની ફિમેલ ડોબરમેન વડોદરા ગ્રામ્ય પોલીસના ડોગ સ્ક્વોડનો ભાગ બની હતી. ‘જાવા’એ ફરી સાબિત કરી આપ્યું કે, તે આ ડોગ ટીમની ‘શેરલોક હોમ્સ’ છે. અડધો કલાકથી પણ ઓછા સમયમાં જાવાએ પોલીસને પાશવી બળાત્કાર અને હત્યાના ૬ આરોપીઓ સુધી પહોંચાડી દીધા હતા. આ નરાધમોએ ૩૮ વર્ષીય મહિલા પર પહેલા બળાત્કાર ગુજાર્યો અને બાદમાં તેની હત્યા કરી હતી.

જુસ્સો, ફોકસ અને ઉદ્દેશ પાર પાડવાના હેતુ સાથે જાવાએ ઘટનાસ્થળેથી મળેલો દુપટ્ટો અને બોટલ સૂંઘી હતી ને તે ઉત્તર દિશામાં ચાલવા લાગી હતી. ખેતરો અને ઝાડી-ઝાંખરામાંથી થઈને તે ૨ કિલોમીટર સુધી ચાલતી રહી અને વ્યસ્ત રહેતી અમદાવાદ-મુંબઈ રેલવે લાઈન પાર કરીને એક તંબુ પાસે આવીને જાેરજાેરથી ભસવા માંડી. જે પરથી પોલીસને અંદાજાે આવી ગયો કે જાવાએ લક્ષ્ય પૂરું કરી દીધું છે. જાવાની મદદથી પોલીસે મંગળવારે ૬ નરાધમોની ધરપકડ કરી છે.

જાવાએ પુરવાર કર્યું કે, તપાસમાં ડોગનું ખૂબ મહત્વ રહેલું છે કારણકે તેઓ ઘટનાસ્થળને પહેલા સૂંઘે છે, પછી જાેવે છે અને છેલ્લે પુરાવા સાંભળે છે. માનવ તપાસ કરતાં આ પ્રક્રિયા તદ્દન વિપરીત છે. ૧૮ મહિનાની જાવાએ આ કેસ ઉકેલીને હેટ્રિક મારી છે. ૪૫ દિવસની અંદર તેણે ત્રણ કેસના ભેદ ઉકેલી નાખ્યા છે. અગાઉ જાવાએ છોટાઉદેપુર જિલ્લામાં એક હત્યાનો ભેદ ઉકેલ્યો હતો અને તાજેતરમાં જ વાડુમાં હત્યાનું સાધન શોધી કાઢ્યું હતું.

આ કેસની વાત કરીએ તો, ત્રણ બાળકોની મા નિત્યક્રમ મુજબ ખેતરમાં ઘાસ કાપી રહી હતી ત્યારે છ નરાધમોએ તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. ગેંગરેપની ઘટના ૧૬ ઓગસ્ટે સાંજે કરજણ તાલુકાના દેથાણ ગામમાં બની હતી. પકડાઈ જવાના ડરે આરોપીઓએ ગળું દબાવીને મહિલાની હત્યા કરી હતી. મોડી રાત સુધી મહિલા ઘરે પાછી ન ફરતા તેનો પરિવાર શોધવા નીકળ્યો હતો ત્યારે રાત્રે ૯ વાગ્યે તેનો મૃતદેહ મળ્યો હતો.

મંગળવારે વહેલી સવારે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જે બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને મહિલાના પરિવારજનો અને ગ્રામવાસીઓની પૂછપરછ શરૂ કરી હતી. એ જ સમયે ફોરેન્સિક ટીમ સાથે જાવા ઘટનાસ્થળે પહોંચી હતી. ૩૦ મિનિટથી પણ ઓછા સમયમાં જાવાએ આ કેસના રહસ્ય પરથી પડદો હટાવી દીધો હતો. રેલવે ટ્રેક પાસે આવેલી વસાહત સુધી જાવા પોલીસને દોરી ગઈ અને પાંચમાંથી એક તંબુ પાસે જાેરજાેરથી ભસવા માંડી. આ તંબુમાં રહેતો હતો મૂળ ઉત્તરપ્રદેશનો ૨૨ વર્ષીય લાલ બહાદુર ગિરજારામ.

વડોદરા ગ્રામ્ય પોલીસના સુપ્રિટેન્ડન્ટ ડૉ. સુધીર દેસાઈએ કહ્યું, ભૂતકાળમાં પણ ડોગ્સનો ઉપયોગ આરોપીઓને પકડવા માટે થયો છે. પરંતુ આ કેસમાં ડોગની ભૂમિકા મહત્વની ગણી શકાય કારણકે તે અમને એક આરોપી સુધી દોરી ગઈ અને આગળની તપાસ બાકીના આરોપીઓની ધરપકડમાં પરિવર્તિત થઈ.

જાવાના હેન્ડલર હેડ કોન્સ્ટેબલ હરેશ મોહનિયાને તેના પર ગર્વ છે. તેનું વર્તન અસામાન્ય હતું કારણકે તે સતત ભસી રહી હતી અને તંબુની અંદર ચક્કર લગાવી રહી હતી. આસપાસ પાંચ તંબુ હતા અને તેમાંથી તેણે માત્ર એકની અંદર જવાનું પસંદ કર્યું ત્યારે અમારી શંકા મજબૂત થઈ હતી. જાવાને સ્ક્વોડમાં સામેલ કરાઈ તે પહેલા એક વર્ષ સુધી મેં તેને તાલીમ આપી હતી. જાવા ઝડપથી શીખી જાય છે અને તપાસમાં તે ખૂબ તેજ છે, તેમ હરેશ મોહનિયાએ જણાવ્યું.

લાલ બહાદુરને કરજણ પોલીસ સ્ટેશન લઈ જવાયો જ્યારે પોલીસની બીજી ટીમે વસાહતમાં રહેતા અન્ય શ્રમિકોની પૂછપરછ કરી હતી. દરમિયાન પાંચ શખ્સો પર શંકા જતાં પોલીસે તેમને પકડ્યા હતા. પકડાયેલા આ શખ્સોમાં મૂળ ઝારખંડના ૪૫ વર્ષીય દિલીપ ચૌધરી, ૨૧ વર્ષીય જગ્ગુપ્રસાદ પંંડુ, ૨૩ વર્ષીય પ્રમોદ પંંડુ, ૧૯ વર્ષીય રામસૂરત પંંડુ અને અર્જુન પંંડોરનો સમાવેશ થાય છે. દિલીપ ચૌધરીને બાદ કરતાં બાકીના ચારેય આરોપી મૂળ ઉત્તરપ્રદેશના છે.

લોકલ ક્રાઈમ બ્રાંચના ઈન્સ્પેક્ટર ડી.બી. વાળાના જણાવ્યા અનુસાર, આ બધા જ આરોપીઓના મોં ખોલાવા સરળ નહોતા. અમે પહેલા અલગ અલગ તેમની પૂછપરછ કરી અને પછી સાત કલાક સાથે બેસાડીને સવાલ-જવાબ કર્યા હતા. આ છયે જણા છેલ્લા ૧૦ દિવસથી કોન્ટ્રાક્ટ પર રેલવે ટ્રેકના મેન્ટેનન્સનું કામ કરી રહ્યા હતા. ભૂતકાળમાં આ આરોપીઓ કોઈ અન્ય ગુનાકીય પ્રવૃત્તિમાં સંકળાયેલા હતા કે કેમ તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ નરાધમોએ ૧૬ ઓગસ્ટની સાંજે મહિલાને રેલવે ટ્રેક ક્રોસ કરીને ખેતરમાં કામે જતી જાેઈ હતી. થોડા સમય બાદ સાંજે સાડા છ વાગ્યાની આસપાસ આ આરોપીઓનું રેલવે ટ્રેકનું કામ પૂરું થયું પછી તેમણે આ મહિલાને હવસનો શિકાર બનાવી હતી. આ છયે શખ્સોએ મળીને મહિલાના હાથ-પગ પકડી રાખ્યા હતા અને વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. મહિલા પોલીસને ફરિયાદ કરશે તે ડરથી તેમણે તેની હત્યા કરી નાખી હતી. દુપટ્ટા વડે મહિલાનું ગળું દબાવતી વખતે એટલું બળ વાપર્યું હતું કે તેની કરોડરજ્જુ ભાંગી ગઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.