ઇમરાન ખાન કોરોના વાયરસથી સંક્રમિત થયા,ચીનની વેકસિન બે દિવસ પહેલા જ લીધી હતી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Imran-Khan-scaled.jpg)
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. પ્રધાનમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હોમ ક્વોરેન્ટાઇન થઈ ગયા છે. મહત્વનું છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ૧૮ માર્ચે ચીનની કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ પણ લીધો હતો.
ઇમરાન ખાન હાલ પોતાના ઘર પર છે અને ડોક્ટર તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના વધતા કેસથી ડરેલા પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગુરૂવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. ૬૭ વર્ષીય ખાને દેશમાં જારી રસીકરણ અભિયાન વચ્ચે વેક્સિનનો ડોઝ લીધો છે. આ પહેલા તેમણે દેશના ઘણા વિસ્તારોમાં સ્માર્ટ લૉકડાઉનની જાહેરાત કરી હતી.
ચીન પાસેથી ફ્રી મળેલી વેક્સિનના ડોઝથી ઇમરાન સરકાર પોતાનો રસીકરણ કાર્યક્રમ ચલાવી શકતી નથી. હકીકતમાં ચીન પાસે અત્યાર સુધી ત્રણ ભાગમાં મળેલી વેક્સિનના મોટાભાગના ડોઝ સરકાર, સેના, બિઝનેસમેન અને રાજકીય પાર્ટીમાં બેસેલા લોકોને આપવામાં આવ્યા છે. જેથી સામાન્ય લોકોને મર્યાદિત માત્રામાં વેક્સિન મળી શકી છે.
આ કારણ છે કે પાકિસ્તાનમાં હાલ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ઇમરાન સરકારની બેદરકારીને કારણે ત્યાના લોકોમાં પણ કોરોના વાયરસના સંક્રમણને લઈને જાગરૂકતાનો અભાવ જાેવા મળી રહ્યો છે. લોકો દરરોજ મોટી સંખ્યામાં મસ્જિદોમાં ભેગા થઈ રહ્યાં છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્કના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે.