Western Times News

Gujarati News

ઉનાળામાં કાર ટુ-વ્હીલરની સરખામણીએ લોડીંગ વાહનોના ટાયરનું વેચાણ વધ્યું

પ્રતિકાત્મક

અરવલ્લી જિલ્લામાં ટાયર માર્કેટમાં ગરમાવો આવતાં વેચાણમાં ૧ર ટકાનો વધારો નોંધાયો

મોડાસા, મોડાસા સહિત સમગ્ર અરવલ્લી પંથકમાં જાણે સૂર્યનારાયણ દેવ ધરતી પણ જ્વાળા વરસાવી રહ્યા હોય તેવી આકરી ગરમી પડી રહી છે. છેલ્લા અઠવાડિયાથી સતત પારો ૪૦થી વધતો રહ્યો છે. આકરી ગરમીને કારણે કાર, લોડિંગવાળા વાહનો, ટુ-વ્હીલરના ટાયરોમાં પણ અસર જોવા મળે છે. ઉનાળાની ગરમીને કારણે ટાયર માર્કેટમાં પણ ગરમાવો આવ્યો છે જેને લઈને વેચાણમાં પણ ૧ર ટકા વધારો જોવા મળે છે.

સમગ્ર અરવલ્લી જિલ્લામાં સતત ગરમી વધી રહી છે. જેમ જેમ ગરમી વધે તે વાહનોના ટાયરને વધારે પ્રમાણમાં અસર કરે છે જેને કારણે ગરમીના દિવસોમાં વેચાણ વધી રહ્યું છે. ખાસ કરીને લોડીંગવાળા વાહનોના ટાયર ગરમીના દિવસોમાં વધારે વેચાય છે. ગરમીને લઈને ટાયર ફાયવાના, ટાયરમાં એર રહી જવી, મોરલીઓ થવી સહિતની ઘટનાઓ જોવા મળે છે.

જેના કારણે વાહનો માલિકો ગરમીના સમયમાં આ કારણોથી ટાયર બદલતા હોય છે. જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ૪૦થી વધારે તાપમાન પડી રહ્યું છે. જેને કારણે શહેરમાં ટાયરનું વેચાણ છેલ્લા અઠવાડિયામાં વધારે થવા લાગ્યું છે. ટાયરના ભાવની વાત કરીએ તો ટુ-વ્હીલરના એક ટાયરના ભાવ રૂ.૧ર૦૦થી ૧૮૦૦, કારના ૩૦૦૦થી પ૦૦૦ તેમજ મોટા વાહનોના ટાયરના ભાવ રૂપિયા પ૦૦૦થી ૯૦૦૦ સુધીના હોય છે.

ટયુબલેસ ટાયરની માંગ વધારે ઃ ગરમીને કારણે ટાયર વેચાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ટાયરમાં પણ ટયુબવાળા અને ટયુબ વગરના આવે છે. પરંતુ હવે ટયુબવાળા ટાયરનું વેચાણ સાવ ઘટયું છે. તમામ વાહનોમાં ટયુબલેસ ટાયરની જ માંગ વધારે છે. નવા વાહનોમાં પણ આવા જ ટાયરો આવે છે કારણ કે ટયુબલેસ ટાયરમાં પંચર થયું હોય તો તાત્કાલિક કરવાની જરૂર પડતી નથી થોડા કિલોમીટર ગાડી ચાલી જાય છે.

કાર અને લોડીંગવાળા વાહનોના ટાયરનું વધારે વેચાણ ઃ હાલમાં સતત ગરમીમાં વધારો થતાં ટાયર માર્કેટમાં વેચાણ પણ વધ્યું છે. જેમાં કાર અને મોટા લોડીંગવાળા વાહનોના ટાયરની વધારે ખરીદી થાય છે. ગરમીને કારણે લોકો બાઈક કરતાં કારનો ઉપયોગ કરતાં હોય છે. તેમજ લોડીંગવાળા વાહનો સતત ડામર, સીસી રોડ પર ચાલતા હોવાથી ગરમી વધારે લાગે છે. ટાયર બદલવાના કારણોમાં પડતર ટાયર હોય, મોરલી થઈ હોય, ટાયરમાં તીરાડો પડેલી હોય આવા ટાયર બદલવા પડે છે. જો ન બદલવાથી ઉનાળામાં ફાટવાની શક્યતા વધારે રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.