ઉલ્ટા ચશ્માના સેટ પર ૩૦૦૦ એપિસોડનું સેલિબ્રેશન થયું
મુંબઈ: સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘એ હાલમાં જ ૩૦૦૦ હજાર એપિસોડ પૂરા કર્યા છે. ૩૦૦૦ એપિસોડ પૂરા થવાની ખુશીમાં સેટ પર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જૂના-નવા બધા જ કલાકારો અને ટીમે સાથે મળીને ૩૦૦૦ એપિસોડ પૂરા થવાની ખુશી વહેંચી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા સીરિયલના કલાકારોએ ‘૩૦૦૦ હેપ્પીસોડ’ના સેલિબ્રેશનની ઝલક બતાવી છે. સીરિયલના સૌથી પોપ્યુલર અને મનપસંદ એક્ટર દિલીપ જોશીએ થોડા સમય પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર એન્ટ્રી કરી છે.
દિલીપ જોશીએ વિવિધ તસવીરો શેર કરીને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની પોતાની યાદગાર જર્ની શેર કરી છે. જેઠાલાલનો રોલ કરતાં દિલીપ જોશીએ સ્વ. લેખક તારક મહેતા સાથેની એક તસવીર પણ શેર કરી છે. દિલીપ જોશીએ લખ્યું, “દુનિયાને ઊંધા ચશ્મામાંથી તારકભાઈના આઈકોનિક પાત્રો સાથે આ વાર્તા શરૂ થઈ હતી. જે
ઠાલાલનું આ કાર્ટૂન ચિત્ર છે જેનાથી મારા પાત્રને આકાર મળ્યો. થેન્ક્યૂ તારકભાઈ. તમને ખૂબ યાદ કરીએ છીએ. તમારી સ્માઈલ અમને આગળ વધવાની પ્રેરણા આપે છે.
સીરિયલના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીનો પણ દિલીપ જોશીએ આભાર માન્યો છે. તેમણે લખ્યું, ‘લાંબા સમયના મિત્ર અને પ્રોડ્યુસર જેમની સાથે મેં અગાઉ પણ કામ કર્યું છે. તેમણે મને ટીવી પર જેઠાલાલને ઉતારવાનો અવસર આપ્યો. થેન્ક્યૂ આસિતભાઈ.’
દિલીપ જોશીએ આગળ તારક મહેતાના શરૂઆતના દિવસોને યાદ કર્યા. લૂક ટેસ્ટ, પાઈલટ એપિસોડ અને અંતે ૨૮ જુલાઈ, ૨૦૦૮ના રોજ પહેલો એપિસોડ પ્રસારિત થયો.
આપણા સૌને પહેલીવાર ગોકુલધામ સોસાયટીની દુનિયામાં જવાની તક મળી. દિલીપ જોશીએ આગળ પોતાની આખી ટીમનો આભાર માન્યો છે. દિલીપ જોશીએ લખ્યું, હું જે કામ કરું છું તેના પ્રેમમાં વધુને વધુ પડ્યો તેનો શ્રેય મારી સુંદર ટીમને જાય છે. જે સાથી કલાકારો અમને છોડીને જતા રહ્યા તેમને રોજેરોજ યાદ કરીએ છીએ. તમે હંમેશા આનો ભાગ રહેશો. આજે અમે જે સફળતા મેળવી છે તેનો શ્રેય પ્રોડક્શનના દરેક ડિપાર્ટમેન્ટને જાય છે. સાથે ભરપૂર પ્રેમ આપવા બદલ દિલીપ જોશીએ ફેન્સનો અને દર્શકોનો આભાર માન્યો છે.