Western Times News

Gujarati News

એમએસ યુનિ.નો અફઘાન વિદ્યાર્થી દિલ્હીમાં ફસાયો

વડોદરા, સૈયદ ખાલિદ સાદત નામનો વિદ્યાર્થી ચાર વર્ષ પહેલા વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં માસ કમ્યુનિકેશન ભણવા માટે અફઘાનિસ્તાનથી આવ્યો હતો. અત્યારે અફઘાનિસ્તાનની સ્થિતિ જાેઈને તેને પોતાના જીવનની ચિંતા સતાવી રહી છે. કાબુલનો રહેવાસી ખાલિદ કહે છે કે, જાે હું અફઘાનિસ્તાનમાં પગ મુકીશ તો કદાચ મારી ધરપકડ કરવામાં આવે અથવા તો મને મારી નાંખવામાં આવે. ખાલિદ એક કામથી ૬ ઓગસ્ટના રોજ ભારત આવ્યો હતો અને ૨૬મી ઓગસ્ટના રોજ તેણે પાછા ફરવાનુ હતું.

અફઘાનિસ્તાનની ફ્લાઈટ્‌સ બંધ થઈ ગઈ હોવાને કારણે તે અત્યારે દિલ્હીમાં ફસાયો છે. ખાલિદ જણાવે છે કે, હું હવે પાછો નથી જઈ શકતો કારણકે મારો જીવ જાેખમમાં મુકાઈ જશે. હું જર્મનીની જે આંતર્રાષ્ટ્રીય સંસ્થા સાથે કામ કરુ છું તે અફઘાનિસ્તાનમાં મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરે છે. વાતચીતમાં ખાલિદે જણાવ્યું કે, તાલિબાન મહિલાઓના શિક્ષણના વિરોધમાં છે કારણકે તેમને લાગે છે કે જાે મહિલાઓ સ્વતંત્ર હશે તો તે પછીથી પોતાના પરિવારને તરછોડી દેશે. મહિલાઓના શિક્ષણ માટે અફઘાનિસ્તાનના અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતા મારા સહકર્મચારીઓને તાલિબાન તરફથી ધમકીઓ મળી રહી છે.

થોડા દિવસ પહેલા તાલિબાનીઓએ મારા ઘરનો દરવાજાે પણ ખખડાવ્યો હતો. મારી પત્ની, બે બાળકો, માતા-પિતા અને ભાઈએ ઘર છોડી દીધું અને તેઓ કાબુલની બહાર રહેતી મારી બહેનના ઘરે જતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ખાલિદે વર્ષ ૨૦૧૬માં ભારત સરકાર તરફથી સ્કોલરશિપ મળ્યા પછી એમએસ યુનિવર્સિટીમાં જર્નાલિઝમ અને કમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો હતો. ખાલિદ જણાવે છે કે, વડોદરામાં પસાર કરવામાં આવેલા તે બે વર્ષ મારા જીવનના શ્રેષ્ઠ દિવસો હતા. મને ભારતની સંસ્કૃતિ વિષે ઘણું જાણવા મળ્યું. મને તે દિવસો ઘણાં યાદ આવે છે. ખાલિદ જણાવે છે કે, હું મારા પરિવાર સાથે ભારતમાં સેટ થવા માંગુ છું. હું તેમના માટે વિઝા મેળવવાનો પ્રયત્ન કરીશ જેથી અમે અહીં સુરક્ષિત રહી શકીએ. મોટા ભાગના અફઘાની પાકિસ્તાન અથવા ઈરાનની સરખામણીમાં ભારતમાં રહેવાનું વધારે પસંદ કરે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.