એલન મસ્કની ‘ટેસ્લા’ની ભારતમાં એન્ટ્રી, બેંગલુરુમાં કરાવ્યું રજિસ્ટ્રેશન
બેંગલુરુ, અમેરિકાની ઈલેક્ટ્રીક કાર બનાવનારી એલન મસ્કની જાણીતી કંપની ટેસ્લાની (Tesla) હવે ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ટેસ્લા અહીં લગ્ઝરી ઈલેક્ટ્રીક કારોનું નિર્માણ અને વેચાણ કરશે. ટેસ્લાએ સત્તાવાર રીતે બેંગલુરુમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કંપનીની ઓફિસ બેંગલુરુ ક્લબ સામે રિચમન્ડ સર્કલ જંક્શન પર આવેલી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંપનીએ 1.5 કરોડની મૂડી સાથે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ટેસ્લાનું સ્વાગત કર્યું છે. જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, કર્ણાટક ગ્રીન મોબિલિટી તરફ ભારતની યાત્રાનું નેતૃત્વ કરશે. ઈલેક્ટ્રિક વાહનો બનાવતી કંપની ટેસ્લા ટૂંક સમયમાં બેંગલુરુમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ યુનિટ સાથે પોતાનો કારોબાર શરૂ કરશે. હું એલન મસ્કનું ભારતમાં સ્વાગત કરુ છુ.
કોર્પોરેટ બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ, ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ 8 જાન્યુઆરીએ બેંગલુરુમાં રજિસ્ટ્રેશન કરાઈ હતી. વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રીરામ અને ડેવિડ જૉન ફેસ્ટિંન તેના ડિરેક્ટર છે. તનેજા ટેસ્લામાં CFO છે. જ્યારે ફેસ્ટિંન ટેસ્લામાં ગ્લોબલ સીનિયર ડિરેક્ટર, ટ્રેડ માર્ક એક્સેસ છે. આ વર્ષથી ટેસ્લા પોતાનું કામકાજ શરૂ કરી દેશે.