ઐશ્વર્યા સાથે તુલના PR સ્ટ્રેટેજીનો ભાગ હતો : સ્નેહા

મુંબઈ: સલમાન ખાન સ્ટારર ફિલ્મ લકીઃ નો ટાઈમ ફોર લવ’ ફેમ એક્ટ્રેસ સ્નેહા ઉલ્લાલને ઐશ્વર્યા રાય બચ્ચન જેવા લુકને કારણે ખૂબ પૉપ્યુલારિટી મળી હતી. ફિલ્મને બૉક્સ ઑફિસ પર સફળતા મળી નહોતી પણ સ્નેહાને બધા ઓળખતા થઈ ગયા હતા. તાજેતરમાં જ તેમણે ઐશ્વર્યા સાથે તુલના કરવા અંગે પોતાના વિચારો રજૂ કર્યા. સ્નેહાએ વાતચીત કરતા જણાવ્યું કે, આ બાબતને ખૂબ મોટી વાત બનાવી દીધી જ્યારે તે એટલી બધી મહત્વપૂર્ણ નહોતી. સ્નેહાએ કહ્યું કે, ‘હું પોતાનામાં ખૂબ કમ્ફર્ટેબલ છું અને જે તુલના કરવામાં આવે છે,
તેનાથી મન ફર્ક પડતો નથી. એ પણ લોકોની પીઆર સ્ટ્રેટેજી હતી કે કેવી રીતે મારા વિશે કહેવામાં આવે. અસલમાં તે બાબતે તુલના પર જ જોર આપ્યું નહીંતર આ કોઈ મોટી વાત નહોતી. ઉલ્લેખનીય છે લકી ફિલ્મ વખતે તેની ઉંમર માત્ર ૧૭ વર્ષની હતી અને તેનું ભવિષ્ય ખૂબ જ શાનદાર રહેશે તેવી અટકળો લગાવાઈ રહી હતી પરંતુ તેને ધારી સફળતા મળી નહોતી. ઓમાનના મસ્કતમાં જન્મેલી ભારતીય મૂળની ૩૨ વર્ષીય એક્ટ્રેસ સ્નેહાએ આના પહેલા કહ્યું હતું કે, એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં ઐશ્વર્યા રાયની સિદ્ધિઓની ફેન છે.
જોકે, તે હજુ પણ પોતાની ઓળખ ઈચ્છે છે, સિવાય કે તેની ઐશ્વર્યાના લુક સાથે તુલના કરવામાં આવે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સ્નેહા લાંબા સમયથી બોલિવૂડથી દૂર છે. જોકે, હવે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પોતાનું કમબેક કરવા માટે તૈયારી કરી છે. ‘લકી’ ફિલ્મમાં સ્નેહાને જોઈને લોકો માનતા હતા કે, ફિલ્મી દુનિયામાં લાંબી ઈનિંગ રમશે. જોકે, સલમાન ખાનની શોધ માનવામાં આવતી સ્નેહા લાંબો સમય સિલ્વર સ્ક્રિન પર આકર્ષણ જમાવી શકી નહીં. ‘લકી’ બાદ તે કેટલીક ફિલ્મોમાં જોવા મળી. તેણે સાઉથી કેટલીક ફિલ્મોમાં પણ નસીબ અજમાવ્યું પણ તેને સફળતા મળી શકી નહીં. હવે તે ટૂંક સમયમાં એક નવી અને ફ્રેશ ઈનિંગ શરૂ કરવા જઈ રહી છે. આ વખતે તે દર્શકોને કેટલા આકર્ષી શકે છે તે તો હવે સમય જ જણાવશે.