ઓક્સફર્ડ, સ્ટેનફોર્ડ જેવી વિખ્યાત વિદેશી યુનિવર્સિટીઓનુ ભારતમાં આગમન થશે

નવી દિલ્હી, દુનિયાની ટોચની યુનિવર્સિટીઓમાં સ્થાન પામતી ઓક્સફર્ડ, સ્ટેનફોર્ડ અને યેલ જેવી યુનિવર્સિટીઓના કેમ્પસ ભારતમાં પણ બહુ જલ્દી કાર્યરત થઈ શકે તે પ્રકારની તૈયારીઓ સરકારે શરુ કરી છે.
શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલને ટાંકીને એક ન્યૂઝ ચેનલે કહ્યુ છે કે, પીએમ મોદી પોતે ઈચ્છે છે કે, દુનિયાની જાણીતી યુનિવર્સિટીઓ ભારતમાં પણ કાર્યરત હોય અને ભારતીય વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે.સરકાર શિક્ષણ ક્ષેત્ર પર દર વર્ષે 15 અબજ ડોલર ખર્ચવા પર ભાર મુકી રહી છે.એક એવો કાયદો તૈયાર કરવામાં આવી રહ્યો છે જે વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપે.સંસદમાં તેને પાસ કરવા માટે રજૂ કરાશે.
રમેશ પોખરિયાલે કહ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયાની સરકાર પણ ભારતમાં પોતાની યુનિવર્સિટીઓના કેમ્પસ ખુલે તેમાં રસ લઈ રહી છે.અન્ય જાણીતી યુનિવર્સિટીઓએ પણ આ પ્રકારની ઈચ્છા વ્યક્ત કરી છે.ભારત શિક્ષણ ક્ષેત્રમાં વૈશ્વિક ઈન્ડેક્સમાં 132 દેશોના લિસ્ટમાં 72મા ક્રમે છે.
હાલમાં ભારતની કેટલીક યુનિવર્સિટીઓએ વિદેશી યુનિવર્સિટીઓ સાથે આંશિક જોડાણ કરેલુ છે.જેના કારણે વિદ્યાર્થીઓને કેટલોક અભ્યાસ ભારતમાં જ કરીને બાકીનો અભ્યાસ જે તે દેશની યુનિવર્સિટીમાં કરવા માટે મંજૂરી મળે છે.