ઓનલાઇન શિક્ષણ સાથે રચનાત્મક કાર્યો કરતી અમદાવાદની સરકારી શાળા
અમદાવાદની જોધપુર પ્રાથમિક શાળા નં-૧ના ૨૦૦ બાળકો શિક્ષણ સાથે સર્જનાત્મક કાર્યોમાં પણ નંબર વન
અમદાવાદ, સાહેબ હું કાનુડો…. સાહેબ હું રાધા… સાહેબ મારું ચિત્ર કેવું લાગ્યું…? અને સાહેબના વોટ્સએપ પર શાળાના બાળકોના અવનવા ફોટોગ્રાફ્સ આવવા લાગ્યા. શાળાના શિક્ષકો એક પછી એક ફોટા જોતા જાય છે અને બાળકોને અભિનંદન પાઠવતા જાય છે. અત્યારે બાળકો શાળામાં આવતા નથી ત્યારે ઓનલાઇન શિક્ષણ સાથે ઘરે શીખીએની પ્રવૃત્તિ અંતર્ગત બાળકોને શાળાના શિક્ષકોએ નિબંધ, ચિત્ર, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને કૃષ્ણ, રાધા, ગોપી જેવી જન્માષ્ટમીના તહેવારને અનુરૂપ વેશભૂષામા ભાગ લઈને કંઈક અલગ હોવાની આભા ઉભી કરાવી હતી.આ શાળાનું નામ છે જોધપુર પ્રાથમિક શાળા નં-૧. એક એવી શાળા અને તે પણ સરકારી શાળા.જયાં માત્ર લેખન વાંચન જ નહી પરંતુ બાળકોને દરેક મહિનામાં આવતાં તહેવાર,દિન વિશેષ અને મહાન વ્યક્તિઓ વિશે વિગતવાર સમજણ આપવામાં આવે છે અને તે મુજબની પ્રેકટીકલ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. શાળાનું એક વાર્ષિક કેલેન્ડર બનાવવામાં આવ્યું છે તે મુજબ દર્શાવેલ તારીખ પ્રમાણે બાળકોને ઈતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
શાળાના મુખ્ય શિક્ષક પ્રતાપભાઈ ગેડિયા વાતચીતમાં જણાવે છે કે અમદાવાદ શહેરમાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સરકારી જોધપુર પ્રાથમિક શાળા નં.૧મા ૮૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.અહી બધા જ દીનવિશેષ અને તહેવારો
ઉજવવામાં આવે છે. હાલ કોરોનાની કપરી પરિસ્થિતિમાં શાળા બંધ છે ત્યારે ઓનલાઇન શિક્ષણ આપવાની સાથે સાથે બાળકોને રચનાત્મક અને સર્જનાત્મક કાર્યો સાથે જોડીને ભણાવવાથી બાળકોની અભ્યાસ પ્રતિ રુચિ જળવાઈ રહે છે. અમારી શાળાના બાળકો અને વાલીગણ સોશિઅલ મીડિયાના માધ્યમથી તમામ શિક્ષકો સાથે જોડાયેલા છે. માસવાર ઉજવવામાં આવતા દિવસો મુજબ હાલ વિડિયો બનાવીને બાળકોને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં ઉપયોગમા આવતી વસ્તુઓ જેવી કે મોરપિચ્છ કેવી રીતે બનાવવા? વેશભૂષા કેવી રીતે કરવી? , મટુકી કેવી રીતે બનાવવી? તેનું માર્ગદર્શન આપ્યું હતું. શાળાના ધોરણ ૧ થી ૮ ૨૦૦ બાળકોએ આ બધી જુદી-જુદી પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લઈને તેના ફોટોગ્રાફસ શાળાના શિક્ષકોને મોકલી આપ્યા હતા. વાલીઓએ પણ બાળકોને મદદ કરી હતી. સમગ્ર શાળા પરિવારે ખૂબ જ ઉત્સાહથી પોતાના ઘરે રહીને કૃષ્ણ જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરી હતી.