કનબુડી ગામે “સેવા-સેતૂ” કાર્યક્રમમાં ૩,૬૦૫ જેટલી અરજીઓનો નિકાલ કરાયો
(માહિતી) રાજપીપલા, રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુસર રાજ્યવ્યાપી હાથ ધરાયેલા “સેવા-સેતૂ કાર્યક્રમ અંતર્ગત” નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના કનબુડી ગામની પ્રાથમિક શાળા ખાતે ગત શનિવારે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા,
દેડીયાપાડા તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી એમનાબેન વસાવા, મામલતદારશ્રી આર.આર.ચૌધરી, તાલુકા વિકાસ અધિકારીશ્રી કનૈયાલાલ વસાવા, કનબુડી ગામના સરપંચશ્રી વિજ્યભાઇ વસાવા સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ, લાભાર્થીઓ વગેરેની વિશાળ ઉપસ્થિતિમાં “સેવા-સેતૂ” કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના, વિધવા પેન્શન સહિત વિવિધ વિભાગોની અનેકવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં છે, જેનો લાભ સેવા-સેતૂના માધ્યમ થકી લોકોને સરળતાથી મળી રહ્યો છે.
નિરામય-ગુજરાત અભિયાન દ્વારા કેન્સર, હદય રોગ સહિત ગંભીર પ્રકારના રોગો સામે લોકો રક્ષણ મેળવી શકે તે માટે લોકોને વિના મૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવતી હોવાની સાથે “નિરામય-ગુજરાત” અભિયાનનો લાભ તમામ લોકોને અવશ્ય લેવા અને આ અભિયાન લોકો માટે ખૂબ જ આશિર્વાદરૂપ બન્યું હોવાનું શ્રીમતી વસાવાએ ઉમેર્યું હતું.
કોવિડ-૧૯ ની રસી જેને પણ બાકી હોય તેવા તમામ લોકોને સરકારશ્રી દ્વારા નિયત કરાયેલ સમયાવધિમાં રસી અવશ્ય લઇ લેવાની સાથે જાતિના દાખલાઓ લોકોને સમયસર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની શ્રીમતી વસાવાએ હિમાયત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાતમાં તબક્કામાં યોજાયેલા “સેવા-સેતૂ” કાર્યક્રમમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, કૃષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભગ સહિત વિવિધ વિભાગો દ્વારા આધારકાર્ડ, પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર, વૃધ્ધ નિરાધાર સહાય, વિધવા સહાય જેવી ૫૬ જેટલી વિવિધ સરકારી સેવાઓની વ્યવસ્થા ઉભી કરાઇ હતી. આ “સેવા સેતૂ” દરમિયાન ૩,૬૦૫ જેટલી અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ પણ કરાયો હતો.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિત અન્ય મહાનુભાવોએ “સેવા-સેતૂ” કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૪ જેટલાં લાભાર્થીઓને સ્થળ પર જ આવાસ યોજના મંજૂરીના હુકમો એનાયત કરાયાં હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિત અન્ય મહાનુભાવોએ વિવિધ વિભાગોના ઉભા કરાયેલા સ્ટોલ્સની પણ મુલાકાત લઇ થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પ્રારંભમાં દેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારીશ્રી કનૈયાલાલ વસાવાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં મામલતદારશ્રી આર.આર.ચૌધરીએ આભારદર્શન કર્યું હતું