કાંકરીયાનાં ગોડાઊનમાંથી રૂા.૨૦ લાખના સામાનની ચોરી
મેનેજરે ગોડાઉન માલિકો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી
(પ્રતિનિધિ)અમદાવાદ, કાંકરીયા ખાતે ભાડેથી ગોડાઉન ધરાવતી એક લોજીસ્ટીક કંપનીને ગોડાઉન માલિકોએ ભાડું વધારવાનંુ કહ્યું હતું. બાદમાં કંપનીને જાણ કર્યા વગર જ બારોબાર ૨૦ લાખ રૂપિયાનો માલ-સામાન ઉઠાવી લેતાં મેનેજરે ગોડાઉન માલિકો વિરૂદ્ધ ચોરીની ફરીયાદ નોંધાવી છે.
નારોલ સર્કલ પાસે આવેલી ડીઆરએલ લોજીસ્ટીક કંપનીમાં ૨૩ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતાં ઊષાબેન નાયરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે નવેમ્બર ૨૦૧૮થી તેમની કંપનીએ કાંકરીયા, અણુવ્રત સર્કલ પાસે આવેલાં રાધે આર્કેડમાં એક ગોડાઉન ભાડે રાખ્યું હતું. જેનાં માલિકો સુમીત કપુર તથા અમીત કપુર (ન્યુ ક્લોથ માર્કેટ) સાથે ૫૭ હજારનું ભાડું નક્કી કર્યું હતું. કોરોનામાં લોકડાઉન દરમિયાન તે ભાડું ઘટાડીને રૂપિયા ૪૫ હજાર કરવામાં આવ્યું હતું.
જાે કે, ૭ ડિસેમ્બર, ૨૦૨૦માં બંને ભાઈઓએ ઉષાબેનને હાલનાં ભાવ મુજબ ૭૦ હજાર ભાડું આપવું પડશે. નહીં તો માલસામાન ખાલી કરી દે જાે. તેવી ધમકી આપી હતી. બાદમાં ૧૧ ડિસેમ્બરે ઊષાબેન ગોડાઉન ખાતે જતાં તેનાં તાળાં તુટેલાં હતા અને તેમાંથી કાપડનાં ૩૯ રોલ, કોમ્પ્યુટર, ફર્નિચર સહિત ૨૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ ગાયબ હતો. બીજી તરફ ગોડાઉનનાં માલિકો સુમીત તથા અમીતનો સંપર્ક કરવા છતાં તે થયો ન હતો. જેથી શંકાનાં આધારે ઊષાબેને બંને ભાઈઓ વિરૂદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં રૂપિયા ૨૦ લાખનાં મુદ્દામાલની ચોરીની ફરીયાદ નોંધાવી છે.