કેશાપુર નજીક વરંડામાં બાંધેલ ૧૪ બકરાની ચોરી,
ગ્રામ્ય વિસ્તારોમાં બકરા ચોરોનો આતંક-રૂરલ પોલીસે અરજી લઇ પશુ માલિકને રવાના કર્યો
અરવલ્લી, અરવલ્લી જીલ્લામાં કસાઈઓ બેફામ બની પશુપાલકો ની હાજરી માં ઘર બહાર બાંધેલ પશુઓ અને રોડ પર રખડતા પશુઓને વાહનોમાં ઉઠાવી જઈ ગેરકાયદેસર રીતે કતલખાને ધકેલી દેવા સતત સક્રિય હોય છે જીલ્લામાં પશુ તસ્કરોનો આતંક યથાવત રહ્યો છે
મોડાસા તાલુકાના કેશાપુર-માલવણ ચાર રસ્તા પર પડતર જમીન પર વર્ષોથી વસવાટ કરતા માલધારી પરિવારના વરંડામાં પશુ ચોર ત્રાટકી ૧૪ બકરાની વાહનમાં ભરી ફરાર થઇ જતા માલધારી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું પશુ ચોર ટોળકી સક્રીય થતા ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે
પશુ ચોરીનો ભોગ બનેલ પરિવાર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતા રૂરલ પોલીસે ફરિયાદ નોંધવાના બદલે અરજી લઈ રવાના કરી દેવામાં આવ્યા હોવાનું પશુમાલિકે જણાવ્યું હતું મોડાસા રૂરલ પોલીસની કામગીરી સામે પશુપાલકોમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો
મોડાસા નજીક આવેલા કેશાપૂર-માલવણ ચાર રસ્તા નજીક ખુલ્લી જગ્યામાં વર્ષોથી પડાવ નાખી પશુપાલનનો ધંધો કરી જીવનનિર્વાહ ચલાવતા ઘેલાભાઈ ભરવાડે બકરાને રાખવા બનાવેલ વરંડામાં ૭૫ બકરા બાંધેલા હતા શનિવારે રાત્રે માલધારી પરિવાર રાબેતા મુજબ વાળું કરી સુઈ ગયો હતો ત્યારે રાત્રે વાહન લઇ ત્રાટકેલા પશુ ચોરોએ વરંડાને બાંધેલી નેટ કાપી નાખી વાડામાં રહેલા ૧૪ બકરાની ચોરી કરી પશુ ચોરો ફરાર થઇ ગયા હતા
માલધારી પરિવારે પરોઢિયે વરંડાની નેટ કાપેલી જાેતા કોઈ અઘટીત ઘટના ઘટી હોવાનું જણાઈ આવતા વરંડામાં બાંધેલ બકરાની ગણતરી કરતા ૧૪ બકરાની તસ્કરી થઇ હોવાની જાણ થતા માલધારી પરિવાર બેબાકળો બન્યો હતો બકરા ચોરીની ઘટનાના પગલે લોકોના ટોળટોળાં ઉમટ્યા હતા ભરવાડ સમાજના લોકો પણ દોડી આવ્યા હતા
એક સાથે ૧૪ બકરાની ચોરી થતા માલધારી પરિવારે ૭૦ હજારથી વધુ નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું પશુ તસ્કરો સક્રિય થતા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે પશુ તસ્કરી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવેની માંગ પશુપાલકોમાં પ્રબળ બની છે.
પશુ તસ્કરીનો ભોગ બનેલ ઘેલાભાઈ ભરવાડ સાથે ટેલિફોનિક પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે શનિવારે રાત્રે તેમના વરંડામાંથી પીકઅપ ડાલુ લઇ પશુ ચોર ૧૪ બકરાની ચોરી કરી ફરાર થઇ જતા આ અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા
પરંતુ પોલીસે અરજી લઇ કાલે તપાસ કરવા આવીશું કહી રવાના કરી દીધા હતા ત્યારે મોડાસા રૂરલ પોલીસતંત્રની કામગીરી સામે પણ અનેક સવાલ પેદા થયા છે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જશે તેવું પશુપાલકો જણાવી રહ્યા છે