કોંગ્રેસમાં રાહુલ કરતાં પણ પ્રિયંકાનો દબદબો વધશે
નવીદિલ્હી, આગામી વર્ષે સાત રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે કોંગ્રેસના સંગઠનમાં ટૂંક સમયમાં ધરખમ ફેરફારો થાય તેવી સંભાવના છે. ઉત્તરપ્રદેશના ઇન્ચાર્જ અને જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીને વધારે મોટી ભૂમિકા મળી શકે છે અને ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોરને પક્ષમાં સમાવાઈ શકે છે.
પક્ષના નેતાઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, યુવા નેતાઓને મહત્વના હોદ્દા મળી શકે છે અને ગુલામ નબી આઝાદ, રમેશ ચેન્નિથલા અને સચિન પાયલોટને વધારે મહત્ત્વની ભૂમિકા મળી શકે છે.
પ્રિયંકા ગાંધી દિલ્હી પરત ફર્યા પછી આ પ્રક્રિયા વધુ ઝડપી બનશે. આંતરિક વર્તુળોનું કહેવું છે કે પક્ષનું એક જૂથ પ્રિયંકા ગાંધી એનએસયુઆઇ અને યુવા કોંગ્રેસ જેવા પક્ષના સંગઠનોમાં વધારે સક્રિય ભૂમિકા ભજવે તેમ ઇચ્છે છે.
પ્રશાંત કિશોરને લાગે વળગે છે ત્યાં સુધી એક જૂથ તે કોંગ્રેસમાં જાેડાય તેમ ઇચ્છે છે અને બીજું જૂથ તેમણે કોંગ્રેસ સાથે આગામી કેટલાક મહિનાઓ સુધી સ્વતંત્ર કામગીરી કરે તેમ ઇચ્છે છે જેથી પક્ષની પોલિટિકલ મેનેજમેન્ટની સ્ટાઇલ સમજી શકાય.HS