કોરિડોર બાદ કાશી વિશ્વનાથમાં દર્શનાર્થીઓનો ભારે ધસારો
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૬ મહિના પહેલા કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન બાદ મોટા તહેવારો અને મહત્વના દિવસોમાં બાબા વિશ્વનાથના દર્શન કરવા આવનાર ભક્તોની સંખ્યામાં ભારે વધારો થયો છે.
કાશી વિશ્વનાથ કોરિડોરના નિર્માણ બાદ એક દિવસમાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા ૫-૬ લાખ સુધી પહોંચી ગઈ છે. કોરિડોરના ઉદ્ઘાટન બાદ ભક્તોની સંખ્યામાં લગભગ ૩ ગણો વધારો છે. શ્રી કાશી વિશ્વનાથ સ્પેશિયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડના અધિકૃત દસ્તાવેજની સમીક્ષા કર્યા બાદ આ આંકડા સામે આવ્યા છે.
દસ્તાવેજ અનુસાર, ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પીએમમોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ મહત્વના તહેવાર જેમ કે, બસંત પંચમી, મહાશિવરાત્રિ, રંગભરી એકાદશી, હોળી, શ્રાવણ મહિનાના સોમવારે અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટતાં તીર્થ યાત્રિકોની સંખ્યા સરેરાશ ૫ લાખ સુધી પહોંચી જાય છે.
જે કોરિડોરના નિર્માણ પહેલા માત્ર ૧.૫ લાખ હતી.રેકોર્ડ્સમાં એ પણ બહાર આવ્યું છે કે, આ વર્ષે ૧ માર્ચેના રોજ શિવરાત્રિ પર રેકોર્ડ ૬.૫ લાખ શ્રદ્ધાળુઓએ મંદિર અને કોરિડોરની મુલાકાત લીધી હતી. બીજી તરફ સામાન્ય દિવસોમાં તીર્થ યાત્રાળુઓની સંખ્યા આશરે ૩૫૦૦૦થી વધીને ૭૦,૦૦૦ પ્રતિદિન થઈ ગઈ છે.
પીએમ મોદીએ ૧૩ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ૫૦,૦૦૦ ચો.મી.માં ફેલાયેલા કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી કાશી વિશ્વનાથ સ્પેશિયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડ મંદિર પરિસરની મુલાકાત લેતા તીર્થ યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓના અનુભવને વધુ વધારવા માટે ડિજિટલ અને ભૌતિક પ્રદર્શન સાથે અત્યાધુનિક સંગ્રહાલય અને ગેલેરી વિકસાવવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, કોરિડોરમાં તીર્થયાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અહીં યાત્રાળુઓનું સુવિધા કેન્દ્ર, ગેસ્ટહાઉસ, ધર્મશાળા, પુસ્તકાલય, સંગ્રાહાલય, ગેલેરી અને એક આધ્યાત્મિક પુસ્તક કેન્દ્ર જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
દસ્તાવેજ અનુસાર ૨ નવા પ્રોજેક્ટ ‘શહેરની આધ્યાત્મિક વારસો, શ્રી કાશી વિશ્વનાથ મંદિરના નિર્માણનો ઈતિહાસ, વારાણસીની સાંસ્કૃતિક વારસો, શાસ્ત્રીય સંગીતનો વારસો, ભારતની સૌથી જૂની જીવંત સંસ્કૃતિ અને સિદ્ધિઓ તરીકે ભારતની શ્રેષ્ઠતા’ દર્શાવશે.SSS