Western Times News

Gujarati News

AMTSના દેવામાં રૂા.૧પ૬ કરોડનો નોંધપાત્ર ઘટાડો થશે

પ્રતિકાત્મક

એએમટીએસ ધ્વારા ફાળવણી કરવામાં આવેલ કર્મચારીઓના પગાર મ્યુનિ. કોર્પો. ચુકવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દૈનિક રૂા.એક કરોડની ખોટ કરે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વરસે રૂા.૩૦૦ કરોડ કરતા વધુ રકમની લોન એએમટીએસને આપવામાં આવે છે. એએમટીએસની દયનીય આર્થિક સ્થિતિ માટે કોન્ટ્રાકટર પ્રથા જવાબદાર છે.

સંસ્થામાં ૯૦૦ જેટલા કંડકટર હોવા છતાં કોન્ટ્રાકટરોના લાભાર્થે કંડકટર સાથેના કોન્ટ્રાકટ આપવામાં આવી રહયા છે, જેના કારણે સંસ્થાના કર્મચારીઓ ફાજલ પડી રહયા છે.

એએમટીએસના ફાજલ કર્મચારીઓની મનપામાં ફાળવણી કરવામાં આવી છે, જેના પગાર સંસ્થા દ્વારા ચુકવવામાં આવી રહયા હતા જેના કારણે સંસ્થાની ખોટ વધી રહી હતી. તેથી ર૦૧૪-૧પના વર્ષથી મનપામાં ફાળવણી કરવામાં આવેલા કર્મચારીઓનો પગાર લોન સામે જમા લેવા નિર્ણય કરવામાં આવ્યો છે સાથે-સાથે હાલ ફાળવણી કરવામાં આવેલા કર્મચારીઓનો પગાર પણ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચુકવવામાં આવશે જેના કારણે એએમટીએસને વાર્ષિક રૂા.૪૦ કરોડ કરતા વધુ રકમનો ફાયદો થશે.

અમદાવાદની જાહેર પરિવહન સેવા એએમટીએસની તમામ પ્રકારે થયેલ દુર્દશા માટે કોન્ટ્રાકટ પ્રથા અને અધિકારી રાજ ને જવાબદાર માનવામાં આવી રહયા છે, સંસ્થા પાસે પુરતી સંખ્યામાં “મેન પાવર” હોવા છતાં કોન્ટ્રાકટરોને પ્રતિ. કિ.મી. રૂા.પાંચથી સાત વધુ આપી કંડકટર સાથેના કોન્ટ્રાકટ આપવામાં આવી રહયા છે.

જેના કારણે એએમટીએસને વાર્ષિક રૂા.રપ કરોડનો આર્થિક બોજ આવે છે, એએમટીએસ પાસે હાલ ૯૦૦ જેટલા કંડકટર છે, જે પૈકી ર૧૦ કંડકટરોની મ્યુનિ. કોર્પોરેશનમાં ફાળવણી કરવામાં આવી છે કંડકટર સાથેના કોન્ટ્રાકટ બંધ કરવામાં આવે તો સંસ્થાની ખોટમાં રૂા.રપ કરોડનો ઘટાડો થાય તેમ છે, તેવી જ રીતે પ૦૦ કરતા વધુ ડ્રાયવરોની ફાળવણી પણ મનપામાં કરી છે.

મનપામાં ફાળવવામાં આવેલા ડ્રાયવર, કંડકટર, ટેકનીકલ સ્ટાફ સહીત અંદાજે ૯૦૦ જેટલા કર્મચારીઓનો પગાર એએમટીએસ દ્વારા ચુકવવામાં આવતો હતો જેના કારણે સંસ્થા પર બમણો આર્થિક બોજ આવતો હતો.

એએમટીએસના તાળાબંધી ન થાય તે માટે મ્યુનિ. સતાધારી પાર્ટીએ ફાળવણી કરેલા કર્મચારીઓનો પગાર મ્યુનિ. કોર્પોરેશનની તિજાેરીમાંથી ચુકવવા નિર્ણય કર્યો છે, સાથે-સાથે ર૦૧૪-૧પના વર્ષથી જેટલા કર્મચારીઓએ મનપામાં ફરજ બજાવી છે તેટલા કર્મચારીઓના પગારની રકમ પણ પરત આપવામાં આવશે. એક અંદાજ મુજબ ર૦૧૪-૧પ થી ર૦ર૧-રર સુધી કુલ ૪૦૧પપ કર્મચારીઓએ (ક્યુમ્યુલેટીવ) મનપામાં ફરજ બજાવી ચુકયા છે.

તેમના પગાર પેટે રૂા.૧પ૬.પપ કરોડની રકમ એએમટીએસના લોન એકાઉન્ટમાં જમા કરવામાં આવશે જેના કારણે એએમટીએસના દેવામાં પણ ઘટાડો થશે. એએમટીએસના હાલ ૮૮૬ કર્મચારીઓ મ્યુનિ. કોર્પો.માં ફરજ બજાવી રહયા છે જે પૈકી સેન્ટ્રલ વર્કશોપમાં ૪૪પ, ફાયરબ્રિગેડમાં ર૦૪, જનમાર્ગમાં ૧૧, કાંકરિયા ફ્રન્ટમાં ૦૮, સેક્રેટરી ઓફિસમાં ૦૮, તથા અન્ય ખાતાઓમાં સંસ્થાના ર૧૦ કંડકટર કામ કરી રહયા છે.

મ્યુનિ. કોર્પો. દ્વારા આ તમામ કર્મચારીઓનો પગાર ચુકવવામાં આવશે જેના કારણે સંસ્થાને દર વર્ષે રૂા.૪ર કરોડનો ફાયદો થઈ શકે છે. એએમટીએસ દ્વારા કોન્ટ્રાકટરોને બસ દીઠ માત્ર ૧ રૂપિયાના દૈનિક ભાડાથી જે ૭૬ હજાર ચો.મી. જમીન આપવામાં આવી છે તેમાં જંત્રી મુજબ ભાડાની ગણતરી કરવામાં આવે તો સંસ્થાની ખોટમાં નોંધપાત્ર ઘટાડો થાય તેમ છે. તદઉપરાંત રાજય સરકાર દ્વારા પ્રતિ કિ.મી. રૂા.૧ર લેખે ફંડ ગેપ આપવામાં આવશે.

જે પેટે વાર્ષિક રૂા.પપ કરોડ સંસ્થાની તિજાેરીમાં જમા થશે. સામાન્ય રીતે જાેવામાં આવે તો એએમટીએસની વાર્ષિક આવક રૂા.૮૦ કરોડ છે. સરકારના ગેપ ફંડની આવક રૂા.પપ કરોડ તથા મનપામાં ફરજ બજાવતા કર્મચારીઓના પગારના રૂા.૪ર કરોડની ફાયદાની સીધી ગણતરી કરવામાં આવે તો એએમટીએસને કોઈ મોટુ નુકસાન થાય તેમ નથી પરંતુ અધિકારીઓની ઈચ્છા શક્તિના અભાવે તથા બેફામ થઈ રહેલા ખર્ચાઓના કારણે એએમટીએસ દેવાના ડુગરમાં ઉતરી છે તેવા સીધા આક્ષેપ થઈ રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.